માલિયાસણમાં દંપતીના ઝઘડામાં વચ્ચે પડેલી પુત્રીને પિતાએ છરીનો ઘા ઝીંકી દીધો

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ ગામમાં રહેતી 19 વર્ષની યુવતિને તેના પિતાએ રાતે છરીનો ઘા ઝીંકી દીધો હતો. યુવતીને ઇજા પહોંચતા સારવાર માટે…

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ ગામમાં રહેતી 19 વર્ષની યુવતિને તેના પિતાએ રાતે છરીનો ઘા ઝીંકી દીધો હતો. યુવતીને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માલિયાસણમાં રહેતી 19 વર્ષની યુવતિ રાતે સાડા નવેક વાગ્યે ઘરે હતી ત્યારે પિતાએ ઝઘડો કરી તેણીને બેઠકના ભાગે છરીનો ઘા મારી દેતાં લોહીલુહાણ થઇ ગઇ હતી. હુમલો કરી પિતા ભાગી ગયા હતાં. તેણીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. તે બે ભાઇ અને બે બહેનમાં બીજા નંબરે છે. તેણીએ કહ્યું હતું કે માતા સાથે મારા પિતા ઝઘડો કરતાં હોઇ હું વચ્ચે પડતાં ગુસ્સે થઇ મને છરી ઝીંકી દીધી હતી.

આ ઉપરાંત જૂદા જૂદા ચાર સ્થળે નજીવા પ્રશ્ર્ને મારામારી થઇ હતી. જેમાં દૂધની ડેરી પાસે હૈદરી ચોકમાં રહેતો શબ્બીર વહાબભાઇ મીરઝા (ઉ.વ.24) મોચી બજાર રોડ પર હતો ત્યારે એજાઝ સહિતના શખ્સોએ માર માર્યો હતો. મોશલી લાઇનમાં રહેતા ફૈઝલ ફીરોજભાઇ બેલીમ (ઉ.વ.23) જૂની દાણાપીઠ નજીક હતો ત્યારે એજાઝ સહિતના શખ્સોએ માર માર્યો હતો. રૈયારોડ પર ઇન્ડિયન પાર્ક આરએમસીના કવાર્ટરમાં મુકેશ પ્રેમજીભાઇ સીંગલ (ઉ.વ.40) ઉપર તેના કાકા રમેશભાઇ અને માતા કેશુબેને હુમલો કર્યો હતો. જ્યારે હુકડો માર્કેટ પાસે રાહુલ અહેરવાલ (ઉ.વ.18) સાથે દેવાનંદ સહિતના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.