ભાજપના નગસેવીકાના પુત્રના ગોડાઉનમાંથી 19 હજાર બોટલ દારૂ પકડાયો

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10 ના ભાજપના મહિલા કોર્પોરેટર ના પુત્રના જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂૂના મોટા જથ્થાનું કટિંગ…

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10 ના ભાજપના મહિલા કોર્પોરેટર ના પુત્રના જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂૂના મોટા જથ્થાનું કટિંગ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે દરોડો પાડી વિદેશી દારૂૂની 19,522 બોટલો સહિત કુલ રૂૂ. 53,78,517નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં એક વાહનચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવાયેલા જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 ના ભાજપ ના મહિલા કોર્પોરેટર મંજુબેન બાંભણિયા ના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા સહિત કુલ 10 આરોપીઓને ફરાર દર્શાવી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10નાં ભાજપનાં મહિલા કોર્પોરેટર મંજુબેન બાંભણીયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયાનું નામ આ પ્રકરણમાં સામે આવતાં રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે. જોકે, આ મામલે પોલીસની તપાસ અને કાયદાકીય કાર્યવાહી આગળ વધવાની બાકી છે.

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા દારૂૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ એમ. ઝાલા તથા ગીરીરાજસિંહ કે. જાડેજાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ ભાજપના મહિલા કોર્પોરેટર ના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયાના કબજા-ભોગવટાવાળા ગોડાઉનમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઉતારી તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે.

આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં ગોડાઉન પાસે બે અશોક લેલેન્ડ પીકઅપ અને એક ટાટા છોટા હાથી વાહનમાંથી દારૂૂની હેરફેર અને કટિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી અશોક લેલેન્ડ પીકઅપના ચાલક ધર્મેશભાઈ નવલભાઈ યાજ્ઞિક (ઉંમર 37 વર્ષ, રહે. નવાગામ ઘેડ, સ્વામિનારાયણ સોસાયટી, જામનગર)ને ઝડપી લીધો હતો.

પોલીસે ગોડાઉન અને વાહનોની તલાશી લેતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની નાની-મોટી કુલ 19,522 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂૂના જથ્થા ઉપરાંત દારૂૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલાં ત્રણ વાહનો અને એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂૂ. 53,78,517 થવા જાય છે. ઝડપાયેલા વાહનચાલકની પૂછપરછ દરમિયાન આ દારૂૂનો જથ્થો તેના મિત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણીયાએ મંગાવ્યો હતો તે ઉપરાંત હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા રાજપાર્ક, જામનગર, સુનીલ ઉર્ફે ભૂતી ધનજીભાઈ દોણાસીયા રાજપાર્ક, જામનગર, સુનીલ બારૈયા રાજપાર્ક, જામનગર, દિલીપ જૂના રેલવે સ્ટેશન પાસે, જામનગર, મેરૂૂ રામા રબારી પાસ્તર, ભાણવડ, દેવભૂમિ દ્વારકા જિલ્લો, યોગેશ કોળી ગુરુદ્વારા ચોકડી પાસે, જામનગર, રાહુલ રેશીયા ભીમવાસ, જામનગર, વીમલો ડોડારો જામનગર, રોહિત કોળી શંકરટેકરી, જામનગર, જીગો સોલંકી ખવાસ પંચેશ્વર ટાવર, જામનગરને ફરાર દર્શાવવામાં આવ્યા છે.

પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરા, એ.એસ.આઈ. નિર્મળસિંહ બી. જાડેજા, જયપાલસિંહ વી. જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ જે. જાડેજા, ચેતનભાઈ આર. ઘાઘરેટીયા, ગીરીરાજસિંહ કે. જાડેજા, હરદેવસિંહ એમ. ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ, દિગ્વિજયસિંહ જાડેજા, કરણભાઈ શિયાર અને મયુરસિંહ ઝાલા સહિતના સ્ટાફે આ કામગીરી હાથ ધરી હતી.