અમરેલી
જાફરાબાદના ખાલસા ગામે બાળકીને સિંહણે ફાડી ખાધી
માતાની નજર સામે જ બાળકીને ઉઠાવી ગઇ, આદમખોર સિંહણને પાંજરે પૂરાઇ
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ અને દીપડાઓના હુમલાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કરતાં ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ ફેલાયો હતો. ખાલસા કંથારીયા ગામમાં રહેતી મહિલા પોતાની બાળકી કીર્તિ ધાપા (ઉં.વ. 7)ને લઈને વાડીથી પરત ફરી રહી હતી.આ સમયે અચાનક સિંહણે બાળકી પર હુમલો કર્યો હતો. માતાની નજર સામે જ સિંહણ બાળકીને ઉપાડીને ખેતરમાં ખેંચી ગઈ હતી. વાડી વિસ્તારમાં બાળકી માતા સાથે ખેતી કામ કર્યા બાદ ઘરે પરત આવી રહી હતી. ત્યારે બાળકી પર સિંહણે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં ખાલસા કથારીયા સહિત આસપાસ ગ્રામજનો મોટી સંખ્યામા દોડી આવ્યા હતા અને ધારાસભ્ય હીરા સોલંકીને બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ મામલે સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. બાદમાં વન વિભાગની ટીમ સાથે ધારાસભ્ય અને ગામના લોકોએ બાળકીની શોધખોળ શરૂૂ કરી હતી. તપાસ દરમિયાન બાળકીના શરીરના કેટલાક અંગો મળી આવ્યા હતા અને બાદમાં સિંહણને શોધવા માટે મેગા ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું હતું.
વન વિભાગ દ્ધારા ડ્રોન મારફતે સિંહણનું લોકેશન શોધવાની કામગીરી હાથ ધરાઇ હતી.જો કે મધરાત સુધી સિંહણ પાંજરે ન પુરાતા ધારાસભ્ય હીરા સોલંકીએ લોકો સાથે ખેતરમાં ધામા નાખ્યા હતા. અંતે માનવભક્ષી સિંહણને વહેલી સવારે પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી. બાદમાં વન વિભાગના ડી.સી.એફ અને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ મૃતક બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી વન વિભાગે વહેલી તકે બાળકીના પરિવારને સહાય ચુકવવામાં માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રથમવાર આ રેસ્ક્યુ ઓપરેશનમાં વન વિભાગે થર્મલ ડ્રોન કેમેરાની મદદથી સિંહણનું લોકેશન મેળવ્યું હતું અને ત્યારબાદ અંદાજે ચારથી પાંચ કલાકની મહેનત બાદ સિંહણને શોધવામાં વન વિભાગને સફળતા મળી છે.