જામનગરમાં એસ.ટી.બસને આંતરી ડ્રાઇવર ઉપર હુમલો, બસમાં તોડફોડ

હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર, બસ ચાલકને કાચ વાગતા હોસ્પિટલ ખસેડાયા જામનગર-દ્વારકા માર્ગ પર સરકારી ફરજ બજાવી રહેલા એસ.ટી. બસના ડ્રાઇવર પર હુમલો કરાયાનો ગંભીર…

હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર, બસ ચાલકને કાચ વાગતા હોસ્પિટલ ખસેડાયા

જામનગર-દ્વારકા માર્ગ પર સરકારી ફરજ બજાવી રહેલા એસ.ટી. બસના ડ્રાઇવર પર હુમલો કરાયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. અજાણ્યા વાહનચાલકો અને તેમના સાગરિતોએ બસ રોકાવી ડ્રાઇવરને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

ફરિયાદ મુજબ એસ.ટી. બસ દિગ્જામ સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટુવ્હીલર વાહનચાલકે સતત હોર્ન વગાડી બસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય બાદ તેણે બસ આગળ વાહન ઊભું રાખી બસ રોકાવી હતી. ત્યારબાદ ડ્રાઇવર સાથે ઉગ્ર બોલાચાલી કરી હુમલો કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન નજીકમાં આવેલી એક ફોરવ્હીલ કારમાંથી ચાર વ્યક્તિઓ પણ આવી પહોંચી હતી અને તેઓએ પણ ડ્રાઇવર સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. હુમલાખોરોએ બસનો આગળનો કાચ પથ્થર મારી તોડી નાખ્યો હતો. કાચના ટુકડાઓ વાગતાં ડ્રાઇવરને ઇજા પહોંચી હતી અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સરકારી ફરજમાં વિક્ષેપ, સરકારી કર્મચારી પર હુમલો, જાહેર મિલકતને નુકસાન અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગુનાઓ અંગે સીટી સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂૂ કરી છે. સૌપ્રથમ એક્સેસ મોટરસાયકલ માં એક વ્યક્તિ આવી હતી જેના નંબરો મેળવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે જી.જે. 10 ઇ.એચ. 1986 નંબરની સફેદ કલરની સ્વીફ્ટ કારમાં અન્ય આરોપીઓ આવ્યા હોવાથી તે કારના નંબરના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂૂ કરી છે.

જામનગરમાં સગીર દીકરી સાથે ઝઘડો કરી પરિવારને ખુનની ધમકી
જામનગર શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતી મહિલાએ એક યુવક સામે ગાળાગાળી, મારામારી, ધમકી અને ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તા. 2 જૂનના રોજ સાંજના સમયે મીનાબેન મનોજભાઈ હિંગડા નામની મહિલાની 15 વર્ષીય દીકરી ઘરે રમતી હતી, ત્યારે સંબંધમાં લાગતો વિપુલ બટુકભાઈ હીંગડા ત્યાં આવ્યો હતો. આ દરમિયાન દીકરી સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. દીકરીના બૂમાબૂમના અવાજ સાંભળી તેની માતા મીનાબેન વચ્ચે પડતાં આરોપીએ તેમની સાથે પણ ગાળાગાળી અને જપાજપી કરી હતી. ત્યારબાદ આરોપી ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ જતા સમયે પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે મીનાબેન ફરિયાદ કરવા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યારે આરોપી ફરીથી તેમના દિયર મનીષભાઈ સાથે ઝઘડામાં ઉતરી ગયો હતો. ઝઘડા દરમિયાન આરોપીએ મનીષભાઈના ડાબા હાથના અંગૂઠામાં બટકું ભરી ગંભીર ઇજા પહોંચાડ્યાનું તેમજ અન્ય આંગળીઓમાં પણ ઇજા કરી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મહિલાની ફરિયાદના આધારે પોલીસે વિપુલ બટુકભાઈ હીંગડા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.