વેપારી મહામંડળ દ્વારા આવેદન: જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલન
ગોંડલમાં દોઢ બે મહીનાથી પોલીસ તંત્ર દ્વારા રાત્રીનાં સાડા દસ કલાકે બજારો બંધ કરાવી દેવાતી હોય કાયદાનાં અતિરેક સામે વેપારી આલમ રોષીત બની છે.નાના ધંધાર્થીઓ ની રોજીરોટી છીનવાઇ ગઇ હોય વેપારી મહામંડળનાં પ્રમુખ ગોપાલભાઈ ટોળીયાની આગેવાની હેઠળ વેપારીઓ એ ડીવાયએસપી ને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવાયું હતુ કે સામાન્ય રીતે ગોંડલમાં રાત્રીનાં મોડે સુધી બજારો ખુલ્લી રહેતી હોય છે.પરંતુ દોઢ બે મહીના થી પોલીસ તંત્ર દ્વારા રાત્રીનાં બજારો જડબેસલાખ બંધ કરાવી દેવાય છે.
જેને કારણે નાના ધંધાર્થીઓની રોજીરોટી છીનવાઇ ગઇ છે.રાત્રીનાં ગાંઠીયાની લારીઓ, ગોલા આઇસક્રીમ, ઠંડાપીણા, પાનનાં ગલ્લા, ચાની હોટલો, રેસ્ટોરન્ટ સહિતનાં ધંધાર્થીઓને પારાવાર નુકસાન થઈ રહ્યુ છે.રોજગાર ધંધા ઠપ્પ થઇ ગયા છે. પરંતુ પોલીસ દ્વારા રાત્રીનાં સાડા દસ થી બજારો બંધ કરાવાતી હોય લોકો પણ બહાર નીકળી શકતા નથી.ભગવત ગાર્ડન માંથી પણ પરીવારોને પોલીસ દ્વારા તગેડી મુકાતા હોય છે.
આ કાયદો અન્યાય કર્તા છે.અસામાજિક તત્વો કે પ્રવૃતિ સામે પોલીસ આક્રમક બને એ સરાહનીય છે.પરંતુ તેને કારણે વેપારીઓ ને સહન કરવુ પડે તે ક્યાંનો ન્યાય તેવો સવાલ ઉઠાવાયો હતો.જો આ મુદ્દે વહેલી તકે યોગ્ય નિર્ણય નહી લેવાય તો વેપારીઓ દ્વારા આંદોલન નાં મંડાણ કરાશે.તેવું જણાવાયું હતું. વેપારી આલમ દ્વારા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાને પણ રજુઆત કરાઇ હોય તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા ખાત્રી આપી હતી.ઉપરાંત નગરપાલિકાનાં પદાધિકારીઓને પણ વેપારીઓની વ્યથા અંગે રજુઆત કરાઇ હતી. વેપારીઓ મંડળનાં વિરેનભાઇ પરડવા,લાલભાઇ ટોળીયા, નલીનભાઇ જડીયા,ગોરધનભાઈ પરડવા, જયદીપભાઈ પરડવા,દિનેશભાઈ માધડ, જગાભાઇ બાંભવા,ભુપતભાઈ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.
