Site icon Gujarat Mirror

તારા એરિયામાં આવ્યો છુ, તારાથી કંઇ ન થાય કહી સાળા પર બનેવીનો છરીથી હુમલો

શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ નજીક યુવક પર તેના સગા બનેવીએ છરીથી હુમલો કર્યો હતો. બે મહિના પહેલાં બહેનને ત્રાસ આપવા બાબતે બનેવીને ઠપકો આપ્યો હોય તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વિગતો મુજબ,જામનગર રોડ પર એફસીઆઈ ગોડાઉનની પાછળ રહેતા અને માર્કેટિંગ થાર્ડમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં મયૂરસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.45) એ યુનિવર્સિટ એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના બનેવી અંકલેશ્વર રહેતા વીરભદ્રસિંહ કેશુભા ઝાલાનું નામ આપ્યું હતું. મયૂરસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મોટા બહેન ધર્મિષ્ઠાબાને તેના પતિ વીરભદ્રસિંહ ઝાલા નજીવી બાબતે અવારનવાર ત્રાસ આપતા હોય બે મહિના પૂર્વે મયૂરસિંહે તેના બનેવી વીરભદ્રસિંહને ફોન કરી શા માટે ત્રાસ આપો છે તેમ કહી ઠપકો આપતા સાળા બનેવી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી મંગળવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે વીરભદ્રસિંહે તેના સાળા મયૂરસિંહને ફોન કરીને નવી કોર્ટ પાસે બોલાવ્યા હતા. મયૂરસિંહ તેના સાળા સહિતનાઓ સાથે નવી કોર્ટ પાસે પહોંચ્યા હતા ત્યારે તેના બનેવી વીરભદ્રસિંહે ગાળો ભાંડી હતી અને હું તારા એરિયામાં આવ્યો છું, તારાથી કંઈ ન થાય તેમ કહી મયૂરસિંહને છરીના બે ઘા ઝીંકી દીધા હતા.

હુમલો કરી વિરભદ્રસિંહ નાસી ગયો હતો અને હુમલામાં ઘવાયેલા મયૂરસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Exit mobile version