Site icon Gujarat Mirror

રેલનગરમાં જૂની અદાવતમાં પત્નીની નજર સામે જ પતિને છરીનો ઘા ઝીંકી દીધો

પોલીસે ગુનો નોંધ્યો, આરોપીને સકંજામાં લેવા તજવીજ

શહેરના રેલનગર વિસ્તારમાં સંતોષિનગર મફતીયાપરા પાસે એક લોહિયાળ ઘટના બની છે. આ બનાવની વિગતો મુજબ, ફરિયાદી રંજનબેન ભાવેશભાઇ સરવૈયાના 14 વર્ષીય પુત્ર કેવલને પડોશમાં રહેતો હિતેશ બારૈયા નામનો શખ્સ કારણ વગર ગાળો આપી હેરાન કરતો હતો. આ બાબતની જાણ કેવલે તેની માતાને કરતા, રંજનબેન આરોપી હિતેશને ઠપકો આપવા તેના ઘરે ગયા હતા. ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચક્યો હતો.

ઝઘડા દરમિયાન રંજનબેનના પતિ ભાવેશભાઇ કાનજીભાઇ સરવૈયા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને હિતેશ તથા કેવલ વચ્ચે થતી ઝપાઝપી રોકવાનો પ્રયાસ કર્યો હતો. મામલો શાંત પાડવા માટે જ્યારે દંપતી પોતાના પુત્ર સાથે ઘર તરફ પરત ફરી રહ્યું હતું, ત્યારે ઉશ્કેરાયેલા હિતેશ બારૈયાએ પાછળથી આવીને ભાવેશભાઇના ડાબા પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. હુમલો કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં ભાવેશભાઇને રસ્તા પર મૂકી આરોપી હિતેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ ભાવેશભાઇને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, છરીનો ઘા ઘણો ઊંડો હોવાથી ફેફસામાં લોહી ભરાઈ ગયું છે અને તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે રંજનબેનની ફરિયાદના આધારે પ્રદ્યુમનનગર પોલીસે આરોપી હિતેશ બારૈયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(2), 352, 115(2) અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. કે. ચાવડા આ કેસની આગળની તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version