Site icon Gujarat Mirror

વાડી માલિકે રીલ બનાવતા અટકાવતા મજૂરે પથ્થરો-પાઈપ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. પોતાની જ વાડીમાં કામ કરતા ખેત મજૂરને સોશિયલ મીડિયા માટે રીલ બનાવતા અટકાવવા બદલ વાડી માલિકે જીવ ગુમાવવો પડ્યો છે. ઉશ્કેરાયેલા મજૂરે વાડી માલિકની પથ્થર અને પાઈપ વડે કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, બરવાળા બાવીશી ગામે રહેતા કરણભાઈ વાળા નામના યુવકની વાડીમાં રવિ કરોળિયા નામનો યુવક છેલ્લા ત્રણ વર્ષથી ખેત મજૂરી કરતો હતો. જ્યારે રવિ વાડીમાં ટ્રેક્ટર પર બેસીને સોશિયલ મીડિયા માટે રીલ બનાવી રહ્યો હતો. ખેતીકામ મૂકીને ટ્રેક્ટરમાં બેસી રીલ બનાવતા મજૂરને જોઈ વાડી માલિક કરણભાઈએ તેને ઠપકો આપ્યો હતો. આ સામાન્ય ઠપકો રવિને માઠું લાગતા તેણે ઉશ્કેરાઈને હુમલો કરી દીધો હતો.

ઝઘડા દરમિયાન આવેશમાં આવી ગયેલા આરોપી રવિ કરોળિયાએ કરણભાઈ વાળા પર પથ્થરોથી ઘા કર્યા હતા અને પાઈપ વડે આડેધડ માર માર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે કરણભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. હુમલો કર્યા બાદ હત્યારો રવિ તક જોઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કરણભાઈને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વડિયા પોલીસને આ અંગે જાણ થતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર આરોપી રવિ કરોળિયાને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version