બાબરામાં પત્નીની હત્યા કરી પતિનો પુત્ર સાથે ધોલેરામાં આપઘાત

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ઘરકંકાસના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બાબરાના ખોજા શેરી વિસ્તારમાં…

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ઘરકંકાસના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બાબરાના ખોજા શેરી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં 42 વર્ષીય શારદાબેન વિનોદભાઈ ગોહેલની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
બીજી તરફ, મહિલાના પતિ વિનોદભાઈ ગોહેલ અને પુત્રએ ધોલેરા તાલુકાના કાદીપુર ગામે પોતાના મૂળ ઘરે આપઘાત કરી લેતાં બંનેનાં મોત થયાં હતાં. પ્રાથમિક પોલીસ તપાસમાં પતિએ જ પત્નીની હત્યા કર્યા બાદ પુત્ર સાથે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

બાબરા શહેરની ખોજા શેરીમાં રહેતા ગોહેલ પરિવારની આ ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિકોમાં દોડધામ મચી હતી. પરિવારજનો મહિલાની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન બાબરા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસની ટીમ ખોજા શેરી ખાતેના રહેણાંક મકાનમાં પહોંચી હતી. મકાનમાં તપાસ કરતાં શારદાબેન લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યાં હતાં. ઘટનાની ગંભીરતાને પગલે ઉઢજઙ વિસ્મય માનસેતા સહિતની પોલીસ ટીમો પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે પતિ વિનોદભાઈએ ઘરકંકાસના કારણે શારદાબેન પર ધોકા અને પથ્થર વડે હુમલો કરી તેમની હત્યા કરી હતી.
શારદાબેનની હત્યા કર્યા બાદ વિનોદભાઈ મકાન બંધ કરીને પુત્ર સાથે ધોલેરા વિસ્તારના કાદીપુર ગામે પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં બંનેએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. વિનોદભાઈ અને તેમના પુત્ર રોહને ગત રાત્રિના સમયે ઝેરી દવા પી લીધી હતી.

બંનેએ અલગ-અલગ રૂૂમમાં જઈને ઘઉંમાં નાખવાની દવા પીધી હોવાનું જાણવા મળ્યું છે.આમ, ઘરકંકાસની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં હતાં.આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ, વિનોદભાઈ ગોહેલ થોડા સમય પહેલાં જ ધોલેરા તાલુકાના કાદીપુરથી બાબરાની ખોજા સોસાયટીમાં રહેવા આવ્યા હતા. તેઓ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી પરિવારમાં બોલાચાલી અને ઘરકંકાસ ચાલતો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. જોકે, આ વિવાદ પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ઉઢજઙ વિસ્મય માનસેતાએ જણાવ્યું હતું કે મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે અને હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, મહિલાના પતિએ જ તેમની હત્યા કરી હતી અને ત્યારબાદ પુત્ર સાથે ધોલેરા વિસ્તારમાં આપઘાત કર્યો હતો. ઘરકંકાસ કારણભૂત હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. આ મામલે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવશે. સમગ્ર ઘટનાને પગલે બાબરા સહિત આસપાસના વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ છવાયો છે.