ગુજરાત
તૂટેલા ગટરના ઢાંકણા મુદ્દે માનવ અધિકાર પંચની ફટકાર
ફોટોગ્રાફી સહિતના અહેવાલ સાથે શુક્રવારે આયોગ સમક્ષ હાજર રહેવા કોર્પોરેશનને આદેશ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ગટરના તુટેલા ઢાંકણાના કારણે બાઈક અકસ્માતમાં અખબાર વિતરકનું મોત નિપજતા આ ઘટનામાં પોલીસે પણ ભીનુ સંકેલી લેતા રાજ્યમાનવ અધિકાર આયોગે સુઓમોટો લઈ કેસ ચલાવ્યો હતો. જેમાં મનપાની બેદરકારી સ્પષ્ટ થતાં આ મુદદ્દતે પગલા લેવા માટે ખાસ ટીમ બનાવી મ્યુનિસિપલ કમિશનરને આદેશ આપી આગામી તા. 8ને શુક્રવારે ફોટોગ્રાફી સહિતના અહેવાલ સાથે આયોગ સમક્ષ હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે રાજકોટમાં તૂટેલા ગટરના ઢાંકણા તેમજ સંબંધિત પ્રશ્નો મુદ્દે ખાસ ટીમ બનાવીને તે અંગે પગલાં લેવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને હુકમ કર્યો છે. આ સાથે 8મી નવેમ્બરે આયોગ સમક્ષની સુનાવણીમાં આ પગલાંની વિગતોના અહેવાલ સાથે સંબંધિત અધિકારીને હાજર રહેવા ફરમાવ્યું છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે 18મી ઓક્ટોબર, 2024ના રોજ સુનાવણી હાથ ધરી હતી. આયોગના સમન્સ મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ચીફ એન્જિનિયર કે. કે. મહેતા સુનાવણીમાં હાજર રહ્યા હતા. આ તકે રાજકોટ મહાનગર પાલિકા પ્રશાસન તરફથી ગટરના તૂટેલા ઢાંકણા બાબતે રજૂ કરાયેલો બચાવ આયોગે માન્ય રાખ્યો ન હતો.
આયોગે હુકમમાં તેને કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી ગણાવી હતી. આ સાથે આયોગ દ્વારા આવા બનાવો ભવિષ્યમાંના બને, તે માટેના ખુલાસા તેમજ આ મામલે સીટની રચના કેમ ના કરવી તેની જરૂૂરી સ્પષ્ટતાઓ સાથેનો અહેવાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને તા. 8 નવેમ્બર 2024 પહેલાં રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.આયોગે સુનાવણીમાં હાજર રહેલા આર.એમ.સી.ના શ્રી મહેતાને આ હુકમની જાણ સંબંધિતોને કરવા સૂચના આપી હતી.
આ સાથે ગટર તેમજ અન્ય સમસ્યાઓ માટે તેઓના વડપણ હેઠળની ટીમ બનાવીને આ બાબતે શા પગલાં લીધાં, તેની જાણકારી ફોટોગ્રાફ સહિતના અહેવાલ સાથે તા. 8મી નવેમ્બર 2024ના રોજ બપોરે 13 કલાકે આયોગ સમક્ષ રૂૂબરૂૂ અથવા વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવા જણાવ્યું હતું. કાબુ બહારના વાજબી કારણો સિવાય તેમજ તે કારણોની વહેલામાં વહેલી તકે આયોગને જાણ કર્યા વગર નિયત સમયે હાજર રહેવામાં ચૂક બદલ સિવિલ પ્રોસિજર કોડ, 1908ના ઓર્ડર-16ના નિયમ10 અને 12 હેઠળ પગલાં લેવા પણ જણાવાયું હતું.