મોરબીમાં ખેડૂતોની વિશાળ કૂચ, 300થી વધુ ગામોનો સરકારી પરિપત્ર સામે વિરોધ

સમગ્ર ગુજરાતમાં જે ખાનગી કંપનીના વીજપોલ ખેડૂતોના ખેતરની અંદર ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે સરકાર દ્વારા વળતરની નવી નીતિ જાહેર કરીને પરિપત્ર પણ…

સમગ્ર ગુજરાતમાં જે ખાનગી કંપનીના વીજપોલ ખેડૂતોના ખેતરની અંદર ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે સરકાર દ્વારા વળતરની નવી નીતિ જાહેર કરીને પરિપત્ર પણ બહાર કરવામાં પાડવામાં આવ્યો છે જોકે, તેનો જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન જેતપર ગામના ખેડૂતો દ્વારા અસ્વીકાર કર્યો હતો અને ત્યારબાદ આંદોલન પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવી હતી અને આજે સત્યાગ્રહ પાર્ટ-3 ના ભાગરૂૂપે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી મોરબી સહિત અન્ય જિલ્લાના ખેડૂતો દ્વારા કૂચ કરવામાં આવી હતી અને કલેકટરને જુદી જુદી ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે સરકારના વળતર નીતિ માટેના નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ખેડૂતોની માંગણી મુજબ વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર અને પહેલા વળતરની માંગ સાથે આંદોલન શરૂૂ કરવામાં આવ્યું હતું દરમ્યાન પહેલા પ્રતિક ઉપવાસ અને ત્યારબાદ 19 દિવસ સુધી જેતપર ગામે ઉપવાસી છાવણી રાખીને આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું.

આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે મોરબી જિલ્લો ઉપરાંત આસપાસના જિલ્લાના ખેડૂતો આવી પહોંચ્યા હતાં અને અહીંથી પદયાત્રા યોજીને મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જુદીજુદી 300 થી વધુ ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જાહેર કરવામાં આવેલ નવી નીતિ અને તેના પરિપત્રનો લેખિતમાં વિરોધ કરવામાં આવ્યો અને ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર જે વીજપોલ ઊભા કરવામાં આવે છે તેની સામે તેઓની માંગણી મુજબ નુકશાની ધ્યાને લઈને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આજે મોરબીમાં યોજાયેલ ખેડૂતોની પદયાત્રામાં મહિલાઓ સહિત અંદાજે 1000 જેટલા લોકો જોડાયા હતા અને જય જવાન જય કિસાનના નારાથી લગાવ્યા હતાં. હાલમાં ખેડૂતોની એક જ માંગ છે કે ખેડૂતોને તેઓની માગણી મુજબનું વળતર ચૂકવવામાં આવે ત્યાર પછી તેઓના ખેતરની અંદર વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી શરૂૂ કરવામાં આવે અને જ્યાં સુધી ખેડૂત વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી જ ખેડૂતો દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવશે અને ખેતરની અંદર વીજ પોલ ઊભા કરવા દેવામાં નહીં આવે તેવી ખુલ્લી ચેતવણી સરકાર અને ખાનગી વીજ કંપનીને આપવામાં આવી હતી.