Site icon Gujarat Mirror

પંજાબમાં ભયાનક અકસ્માત: શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ મુસાફરો ઘાયલ

 

પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. શ્રદ્ધાળુઓથી ભરેલી એક બસ અચાનક કાબુ બહાર ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે, જ્યારે આશરે 25 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ અકસ્માત મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે બસ્સી પઠાણાના મોરિંડા-ચુન્ની રોડ પર હિંમતપુરા ગામ પાસે થયો હતો. બસમાં સવાર શ્રદ્ધાળુઓ મેન માજરીના રહેવાસી હતા. તેઓ વૈશાખી પર શ્રી આનંદપુર સાહિબમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે બેકાબૂ થઈને થાંભલા સાથે અથડાઈ હતી. બસ પલટી ગયા બાદ તેમાં અચાનક કરંટ આવી ગયો હતો. આ અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની માહિતી મળતાં સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

ફતેહગઢ સાહિબના SSP મુજબ આ અકસ્માત રાત્રે 9:30 થી 10 વાગ્યાની વચ્ચે થયો હતો. પ્રાથમિક તપાસમાં બસના કોઈ ભાગમાં ખામી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે બસ અચાનક અસંતુલિત થઈ ગઈ અને રોડ કિનારે લાગેલા થાંભલા સાથે અથડાઈ. તેમણે જણાવ્યું કે પોલીસ અને રાહત ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version