Site icon Gujarat Mirror

મહાપ્રભુજીના 547મા પ્રાગટય ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ

ભક્તિનગરી રાજકોટમાં સોમવારે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી. શ્રી રાજકોટ વૈષ્ણવ સમાજના ઉપક્રમે આયોજિત આ દિવ્ય ઉત્સવમાં નગરના તમામ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવાચાર્યોની સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

ચૈત્ર વદ-11 (એકાદશી)ના પાવન દિવસે સવારે 7 વાગ્યે બાલભવન ઓપન થિયેટર, રેસકોર્સ ખાતે ગૌસેવા અને માનવ સેવાના કાર્યક્રમોથી ઉત્સવનો શુભારંભ થયો હતો. ત્યારબાદ સાંજે 6 વાગ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના તમામ વૈષ્ણવજનો “શ્રી વલ્લભના જયઘોષ” સાથે ગૌરવભેર શોભાયાત્રામાં જોડાયા હતા. બાળકો, યુવાનો અને વડીલો કેસરી, લાલ, પીળા વાઘા ધારણ કરી શ્રી વલ્લભાધીશના જયઘોષ કરતા નગરના રાજમાર્ગો પર ફર્યા હતા. ઘોડી, બગી અને ઉંટ સહિતની પરંપરાગત સવારીઓએ શોભાયાત્રાની શાન વધારી હતી.
શોભાયાત્રા બાદ બાલભવન ઓપન થિયેટર ખાતે ધર્મસભા યોજાઈ હતી જેમાં વિવિધ આચાર્યશ્રીઓએ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત હજારો વૈષ્ણવ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
શ્રી રાજકોટ વૈષ્ણવ સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય આયોજનમાં સમગ્ર રાજકોટ કૃષ્ણમય બન્યું હતું અને “પ્રાણવરે મારગ રિત દિખાવી, સેવા રિત ગ્રીવ બ્રજજનકો જનહિત જગ પ્રગટાઈ” ના ભાવને સાર્થક કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Exit mobile version