કાલાવડ રોડ અન્ડરબ્રિજમાં હિટ એન્ડ રન, મંગળા દર્શને જતા વૃધ્ધના પ્રાણ હરી કારચાલક ફરાર

શહેરમાં કોઠારીયા મેઈન રોડ પર સોરઠીયાવાડીમાં રહેતાં વૃધ્ધ સાયકલ લઈ નિયત ક્રમ મુજબ કાલાવડ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિરે મંગળા આરતીમાં જતાં હતાં ત્યારે અંડરબ્રીજમાં…

શહેરમાં કોઠારીયા મેઈન રોડ પર સોરઠીયાવાડીમાં રહેતાં વૃધ્ધ સાયકલ લઈ નિયત ક્રમ મુજબ કાલાવડ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિરે મંગળા આરતીમાં જતાં હતાં ત્યારે અંડરબ્રીજમાં અજાણ્યા કાર ચાલકે સાયકલને ઠોકરને ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. કારના કાચ તુટેલી હાલતમાં હોવાથી અન્ય સ્થળે પણ કાર ચાલકે અકસ્માત સર્જયાની શંકાએ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સોરઠીયાવાડીમાં રહેતાં નટવરલાલ હિરાભાઈ રાઠોડ નામના 70 વર્ષના વૃધ્ધ વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં સાયકલ લઈ કાલાવડ રોડ અંડરબ્રીજમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકે સાયકલને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલાય વૃધ્ધનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક વૃધ્ધ બે ભાઈ એક બહેનમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર છે. મૃતક નટવરલાલ રાઠોડ નિત્યક્રમ મુજબ કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરે મંગળા આરતીમાં જતાં હતાં ત્યારે કાર હડફેટે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે અને કારના કાચ તુટેલા હોવાથી અન્ય સ્થળે પણ કાર ચાલકે અકસ્માત સર્જર્યો હોવાની શંકાએ પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.

જલગંગા ચોકમાં બે બાઈક અકસ્માતમાં ઘવાયેલા ચાલકે દમ તોડ્યો
શહેરમાં રામનાથપરા વિસ્તારમાં રહેતો બાપી ઉર્ફે મુસ્તાક રાજુભાઈ એસ્ક્રે નામનો 22 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ સંતકબીર રોડ પર જલગંગા ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે મુસ્તાકના બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડતાં શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક યુવાન મુળ કલકત્તાનો વતની અને બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને છેલ્લા ચાર વર્ષથી અહિં કાસ્ટીંગનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.