ધ્રોલ નજીક હિટ એન્ડ રન : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતું થોરિયાળીનું દંપતી ખંડિત, પત્નીનું મોત

જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોળ નજીક હિટ એન્ડ રનનો કરુણ અકસ્માત સર્જાયો હતો. બાઈક પર લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરી રહેલા દંપતિને એક બેફામ કારચાલકે…

જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોળ નજીક હિટ એન્ડ રનનો કરુણ અકસ્માત સર્જાયો હતો. બાઈક પર લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરી રહેલા દંપતિને એક બેફામ કારચાલકે ટક્કર મારતા પત્નીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. આ બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બનાવ અંગે મૃતક મહિલાના પુત્ર દ્વારા કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પડધરી નજીક થોરીયાળી ગામમાં રહેતા ધીરજલાલ કેશવજીભાઈ કોટડીયા (ઉંમર વર્ષ 56) કે જેઓ પોતાના પત્ની દયાબેન કોટડીયા (ઉંમર વર્ષ 53) મોવૈયા ગામે પોતાના કુટુંબના કાકાના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ તેઓ બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ધ્રોળ નજીક પાછળથી પૂરઝડપે આવેલી કાર ના ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પરથી પટકાઈ જતા પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે પતિને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર બનાવ અંગે મૃતક ના પુત્ર રાજેશ ધીરજલાલ કોટડીયા ની ફરિયાદ ના આધારે પોલીસે ગુનો નોંધીને ફરાર કારચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. સ્થાનિકોમાં પણ બેફામ વાહનચાલકો સામે રોષની લાગણી જોવા મળી રહી છે.