જામનગર જિલ્લાના તમાચણ રેલવે ફાટક પર ગેટકીપર ઉપર હીચકારો હુમલો

જામનગર તાલુકાના તમાચણ ગામ પાસે આવેલી રેલવે ફાટક પર ફરજ બજાવી રહેલા ગેટકીપર પર થાર કારના ચાલકે હુમલો કરી સરકારી ફરજમાં રૂૂકાવટ ઉભી કરી હતી.…

જામનગર તાલુકાના તમાચણ ગામ પાસે આવેલી રેલવે ફાટક પર ફરજ બજાવી રહેલા ગેટકીપર પર થાર કારના ચાલકે હુમલો કરી સરકારી ફરજમાં રૂૂકાવટ ઉભી કરી હતી. એટલું જ નહીં આરોપીએ રેલવે ઓફિસમાં તોડફોડ કરી સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 121(1), 352, 351(3), 329(3) તેમજ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ 3 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી અમરસિંહ પ્યારેલાલ મીણા (ઉ.વ. 31), રેલવે ગેટકીપર તરીકે ફરજ બજાવે છે. તેઓ તા.09/05/2026ના રોજ બપોરે આશરે 2:20 વાગ્યે તમાચણ ગામની રેલવે ફાટક નં. એલ.સી.-163 ખાતે ફરજ પર હાજર હતા. દરમિયાન ટ્રેન આવવાની હોવાથી તેમણે નિયમ મુજબ રેલવે ફાટક બંધ કર્યો હતો.

તે સમયે થાર કાર નં. જી.જે. -3 એન.પી. 5930નો ચાલક ત્યાં આવ્યો હતો અને કાર ઊભી રાખી ગેટકીપરની ઓફિસમાં ઘૂસી ગયો હતો. આરોપીએ મારે ઉતાવળ છે, ફાટક ખોલ કહી દબાણ કર્યું હતું. પરંતુ ટ્રેન પસાર ન થાય ત્યાં સુધી ફાટક ખોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.

આરોપીએ ગેટકીપરને ગાળો બોલી તેમના મોઢા પર ઝાપટ મારી હતી તેમજ ડાબા હાથમાં નખ ભરાવી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ઓફિસમાં રહેલો ટેલિફોન તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત ગેટકીપરને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની સરકારી ફરજમાં રૂૂકાવટ ઊભી કરી હતી. સમગ્ર બનાવ અંગે પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ એસજી જાડેજાએ થાર કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.