કુવાડવા રોડ પર હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર હોમિયોપેથી છાત્રનું કરુણ મોત

રાજકોટ-અમદાવાદ હાઇવે જાણે ગોજારો બન્યો હોય તેમ દિન પ્રતિદિન જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં મુળ કચ્છનો વતની અને હાલ રાજકોટમાં રહી…

રાજકોટ-અમદાવાદ હાઇવે જાણે ગોજારો બન્યો હોય તેમ દિન પ્રતિદિન જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં મુળ કચ્છનો વતની અને હાલ રાજકોટમાં રહી કુવાડવા ખાતે આવેલી આર્યવિર હોમિયોપેથી કોલેેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોતાનુ બાઇક લઇ કોલેજમાં જઇ રહ્યો હતો. ત્યારે કુવાડવા રોડ પર ત્રિમંદિર પાસે અજાણયા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડાવ્યુ હતું. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા છાત્રનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ કચ્છનો વતની અને હાલ રાજકોટમાં મેડિકલ બોયર્ઝ હોસ્ટેલ સામે આવેલા ઓમ એપાર્ટમેન્ટમાં રહી કુવાડવા ખાતે આવેલ આર્યવિર હોમિયોપેથી કોલેજમાં બી.એચ.એમ.એસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો નિખીલ દશરથભાઇ બગાઇયા નામનો 20 વર્ષનો યુવાન સવારના આઠેક વાગ્યાના અરસામાં આર્યવિર હોમિયોપેથી કોલેજ ખાતે અભ્યાસ કરવા જઇ રહ્યો હતો. ત્યારે ત્રિમંદિર પાસે પહોંચતા પુર પાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા નિખીલ બગાઇયા બાઇક સાથે રોડ પર ફંગોળાયો હતો. અકસ્માત સર્જ ટ્રક ચાલક રફુ ચક્કર થઇ ગયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જયા સારવાર કારગત નિવડે તે પૂર્વ જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક નિખીલ બગાઇયા બે ભાઇ એક બહેનમાં નાનો હતો અને તેના પિતા ગાંધીનગર ખાતે એસઆરપીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. નિખીલ બગાઇયાની બહેનનો ચાર વર્ષ પહેલા ભુજ ખાતે અકસ્માતમાં મોત નીપજ્યુ હતું. નિખીલ બગાઇયાનો મોટોભાઇ પાર્થ બગાઇયા મેડિકલ કોલેજમાં રહી સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસમાં અભ્યાસ કરે છે. નિખીલ બગાઇયા કોલેજ ખાતે જઇ રહ્યો હતો. ત્યારે જીવલેણ અકસ્માત નડ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.