ચોટીલામાં હિટ એન્ડ રન : સ્કૂલે પુત્રને લેવા જતી સ્કૂટર ચાલક જનેતાનું મોત

ચોટીલામાં સ્કૂલે ગયેલી ચાર વર્ષની પુત્રીને તેડવા જતી જનેતાના સ્કૂટરને ટ્રક ચાલકે ઠોકરે ચડાવ્યુ હતું. સ્કૂટરને 20 ફૂટ દૂર ઉલાળી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.…

ચોટીલામાં સ્કૂલે ગયેલી ચાર વર્ષની પુત્રીને તેડવા જતી જનેતાના સ્કૂટરને ટ્રક ચાલકે ઠોકરે ચડાવ્યુ હતું. સ્કૂટરને 20 ફૂટ દૂર ઉલાળી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલી મહિલાનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

ચોટીલામાં આવેલી પરમેશ્ર્વર સોસાયટીમાં રહેતી મીનાબેન જેન્તીભાઇ સાકરીયા નામની 25 વર્ષની પરિણીતા બાલ મંદિરમાં અભ્યાસ કરતા ચાર વર્ષના પુત્ર પ્રીન્સને તેડવા જતી હતી ત્યારે હીરધામ સોસાયટી પાસે માટેલા સાઢની માફક ધસી આવેલા ટ્રક ચાલકે સ્કૂટરને ઠોકરે ચડાવ્યુ હતું. સ્કૂટરને 20 ફૂટ દૂર ઉલાળી ટ્રક ચાલક નાશી છૂટ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલી મહિલાએ સારવાર મળે તે પૂર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે ચોટીલા પોલીસે જીવલેણ અકસ્માત સર્જી નાશી છૂટેલા ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.