Site icon Gujarat Mirror

હિટ એન્ડ રન: પ્રૌત્રના લગ્નના બે દિવસ પૂર્વે રોડ ક્રોસ કરતા દાદાનું બાઇક અડફેટે મોત

રાજકોટમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્કમાં રહેતા વૃદ્ધ પૌત્રના લગ્નના બે દિવસ પૂર્વે રોડ ક્રોસ કરી ઘરે આવતા હતા. ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મોત નીપજતા પરિવારમાં લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્કમાં રહેતા માવજીભાઈ કાનાભાઈ અઘારા નામના 70 વર્ષના વૃદ્ધ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં માંડા ડુંગર ગોળાઈ પાસે શક્તિ હોટલ નજીક ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃદ્ધ ત્રણ ભાઈ પાંચ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. માવજીભાઈ અઘેરા ડ્રાઇવિંગ કામ કરતા હતા અને બે દિવસ બાદ પૌત્રના લગ્ન હોવાથી ગાડી મૂકીને ઘરે પરત ફરતા હતા. ત્યારે ઘર નજીક રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version