ખનીજ માફિયાઓ પર ખાણખનીજ વિભાગનો સકંજો, ફફડાટ : 33 ડમ્પર, 13 મશીન જપ્ત કરી નોટિસ ફટકારાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક દંડની કાર્યવાહી કરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સાયલાના સુદામડા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામ મામલે ખનીજ વિભાગે આકરા તેવર અપનાવી પાંચ જેટલી ખાણો પર કુલ 595 કરોડ રૂૂપિયાનો અધધ દંડ ફટકાર્યો છે. આટલી મોટી રકમનો દંડ થતા સમગ્ર જિલ્લાના રાજકારણ અને વહીવટી આલમમાં ભારે હલચલ મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાયલાના સુદામડા વિસ્તારમાં આવેલી બ્લેક ટ્રેપ પથ્થરની ખાણોમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર બેરોકટોક ખોદકામ ચાલી રહ્યું હતું. આ અંગે ખનીજ વિભાગને બાતમી મળતા પાંચ જેટલી ખાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાનું સપાટી પર આવતા વિભાગે આ તમામ ખાણો પર થયેલા ખોદકામનું આકલન કરીને અંદાજે 595 કરોડ જેટલી માતબર રકમનો દંડ આક્યો છે. ગેરકાયદે ખોદકામ કરનારા તત્વો સામે કારણદર્શક નોટિસ ફટકારીને આગામી 15 એપ્રિલ સુધીમાં જરૂૂરી આધાર પુરાવા રજૂ કરવા આદેશ કરાયો છે.
આ કાર્યવાહી દરમિયાન માત્ર દંડ જ નહીં પરંતુ મોટા પાયે મશીનરી પણ સીઝ કરવામાં આવી છે. લિમ્બડી ડીવાયએસપી અને ખાણ ખનીજ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ખોદકામમાં વપરાતા 13 જેટલા હિટાચી જેવા મોટા મશીનો અને ખનીજ વહન કરતા 33 જેટલા ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ અને ખનીજ વિભાગની આ સંયુક્ત કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં ખનીજ માફિયાઓ વિરુદ્ધ થયેલી અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી માનવામાં આવી રહી છે.
છેલ્લા ઘણા સમયથી સાયલા અને આસપાસના વિસ્તારોમાં ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી રહી હતી. સુદામડામાં થયેલી આ 595 કરોડની દંડકીય કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોની કમર તૂટી ગઈ છે. ખનીજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નિયત સમય મર્યાદામાં જો સંતોષકારક પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઓપરેશનને પગલે અન્ય ખનીજ ચોરો પણ પોતાની સાધન-સામગ્રી સગેવગે કરવા લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

