Site icon Gujarat Mirror

ગોંડલ ન.પા.ના મહિલા કર્મચારીનું ATM કાર્ડ બદલાવી રૂા.40 હજાર ઉપાડી લીધા

ગોંડલ નગરપાલિકાના મહિલા કર્મચારીને ગઠીયાએ એટીએમ સેન્ટર પર મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડ બદલાવી નાખી, તેમના ખાતામાંથી ₹40,000 ઉપાડી લઇ છેતરપિંડીની કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ગોંડલ સિટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગોંડલના મોહન પાર્ક-2, બાપા સીતારામ ચોક પાસે રહેતા ગોંડલ નગરપાલિકાના મહિલા કર્મચારી 57 વર્ષીય રશીલાબેન કાંતિભાઈ રૈયાણી ગત તારીખ 25/03/2026 ના રોજ સવારના આશરે સાડા દસેક વાગ્યે પૈસા ઉપાડવા માટે કડીયા લાઈનમાં આવેલ એસ.બી.આઈ. બેંકના એટીએમ પર ગયા હતા.

તે સમયે ત્યાં હાજર એક અજાણ્યા શખ્સે રશીલાબેનને વિશ્વાસમાં લીધા હતા અને એટીએમમાંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાની લાલચ આપી હતી. મદદ કરવાના બહાને આ ગઠિયાએ નજર ચુકવી રશીલાબેનનું અસલ એટીએમ કાર્ડ બદલાવી લીધું હતું અને બીજું કોઈ કાર્ડ તેમને પધરાવી દીધું હતું.

રસીલાબેનને જાણ થાય તે પહેલા જ, આ ભેજાબાજ શખ્સે રશીલાબેનના ખાતામાંથી રૂૂ.40,000 ની રકમ ઉપાડી લીધી હતી. જ્યારે રશીલાબેનને તેમના ખાતામાંથી પૈસા કપાયા હોવાનો અને કાર્ડ બદલાઈ ગયો હોવાનો અહેસાસ થયો, ત્યારે તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે રશીલાબેને તારીખ 03/04/2026 ના રોજ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ એ.એસ.આઈ. બી.એચ. પરમાર ચલાવી રહ્યા છે. પોલીસે એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજને આધારે આરોપીને ઝડપી લેવા તપાસ શરુ કરી છે. પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવે છે કે એટીએમ સેન્ટર પર કોઈ પણ અજાણી વ્યક્તિની મદદ લેવી નહીં અને પોતાનો પિન નંબર કે કાર્ડ કોઈને આપવો નહીં.

Exit mobile version