વન્ય પ્રાણીઓ દ્વારા માલઢોરનું મારણ થતું હોય ત્યારે ખેડૂતોની વહારે આવવાની જવાબદારી વનવિભાગની છે,પરંતુ ગીરગઢડામાં વનવિભાગના જ એક કર્મચારી ની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાછરડાનું સિંહે મારણ કરતાં વનવિભાગને જાણ કરનાર ખેડૂતને રસ્તામાં રોકી લાકડીથી માર મારવામાં આવ્યોહોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. એટલું જ નહીં, પોલીસ કેસ કરશે તો જંગલ ખાતાના કાયદા માં ફસાવી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદના પગલે વનવિભાગના કર્મચારી જીતેન્દ્રભાઈ છગનભાઈ બાંભણીયા સામે એફઆઇઆર નોંધાતાં સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. ગીરગઢડાના ઢોરા શેરી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ સાથે ખોડલ ફાર્મમાં નોકરી કરતા જતીનભાઈ ટપુભાઈ ચૌહાણના વાછરડાનું ગત 14 ઓક્ટોબરના રોજ સિંહે મારણ કર્યું હતું.
આ અંગે તેમણે વનવિભાગને જાણ કરી હતી. જોકે, વનવિભાગના કર્મચારીઓ સમયસર નહીં પહોંચતાં જતીનભાઈએ નારાજગી વ્યક્ત કરી હતી. અવારનવાર વન્ય પ્રાણીઓ તેમના માલઢોરનું મારણ કરતા હોવા છતાં યોગ્ય ધ્યાન આપવામાંઆવતું ન હોવાની વાતને લઈને વનવિભાગના કર્મચારી સાથે બોલાચાલી થઈ હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, 15 ઓક્ટોબરના સવારે આશરે 8:55 વાગ્યે વનવિભાગમાં ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ બાંભણીયાએ જતીનભાઈને ફોન કરીને મળવા માટે કહ્યું હતું. ત્યારબાદ જતીનભાઈ મોટર સાઇકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગીરગઢડા-જામવાળા રોડ પર ખોડલ સીડ્સ સામે જીતેન્દ્રભાઈ પોતાની મોટરસાઇકલ લઈને આવ્યા અને તેમને રોક્યા હતા.
ત્યારબાદ જીતેન્દ્રભાઈએ મોટરસાઇકલમાંથી લાકડી કાઢીને જતીનભાઈના જમણા-ડાબા પગ, પીઠ અને કોણીના ભાગે માર માર્યો હતો. ગાલ પર બે થપ્પડ મારી હતી અને પોલીસ કેસ કરશે તો જંગલ ખાતાના કાયદામાં ફસાવી દેવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
