મોરબીમાં મહાપાલિકાના ખર્ચે બારોબાર ડીઝલ ભરાવવાનું કારસ્તાન?

મોરબી મહાનગરપાલિકામાં બિલ કૌભાંડનું ભૂત હજી ધૂણી રહ્યુ છે ત્યાં મહાનગરપાલિકાના ખર્ચે અડધી રાત્રે ડિઝલ ભરાવવાના પ્રયાસનો શંકાસ્પદ મામલો સામે આવતા ચર્ચા જાગી છે. આ…

મોરબી મહાનગરપાલિકામાં બિલ કૌભાંડનું ભૂત હજી ધૂણી રહ્યુ છે ત્યાં મહાનગરપાલિકાના ખર્ચે અડધી રાત્રે ડિઝલ ભરાવવાના પ્રયાસનો શંકાસ્પદ મામલો સામે આવતા ચર્ચા જાગી છે. આ કિસ્સામાં મહાનગરપાલિકાની પહોંચ બૂક અને શાખા અધ્યક્ષની સહી સાથે કરેબામાં ડિઝલ ભરાવવાનો પ્રયાસ થયો હતો પરંતુ પેટ્રોલપંપ સંચાલકને શંકા જતાં શાખા અધ્યક્ષને જાણ કરતા ડિઝલ ભરાવવા આવેલ શખ્સે પોતાના ગુગલ પે એકાઉન્ટમાંથી રૂા.983નું પેમેન્ટ કરી દીધુ હતું.

મનપાને ડીઝલ પૂરું પાડતા પેટ્રોલ પંપ પર મોડી રાત્રે એક ઇસમ ડીઝલનો કેરબો લઈને પહોંચ્યો હોવાની ચર્ચા છે. મનપાની સ્લીપ બુક, સ્ટેમ્પ અને શાખા અધ્યક્ષની સહી સાથે ડીઝલ મેળવવાના આ મામલામાં પહોંચ નંબર 83 સામે આવતાં અનેક સવાલો ઊભા થયા છે. પેટ્રોલ પંપ સંચાલકને શંકા જતાં સંબંધિત વ્યક્તિને રોકી શાખા અધ્યક્ષને જાણ કરવા જણાવાયું હતું. ત્યારબાદ ગૂગલ પે મારફતે ચુકવણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સીટી બસ વિભાગના નામે અને રોલરના નામે ડીઝલનો વ્યવહાર થયાની ચર્ચા વચ્ચે સવાલ એ છે કે મોડી સાંજે કેરબો ભરાવવા પાછળ એવી તે કઈ ઇમરજન્સી હતી? ડીઝલ કોના માટે લેવામાં આવ્યું હતું? મનપાની પહોંચનો ઉપયોગ કોણે કર્યો અને પહોંચ નંબર 83 કોની મંજૂરીથી આપવામાં આવી? શાખા અધ્યક્ષની સહી કયા સંજોગોમાં કરવામાં આવી હતી?

જો ડીઝલ મહાનગરપાલિકાના અધિકૃત કામ માટે લેવામાં આવ્યું હતું, તો તેની મંજૂરી અને હિસાબની પ્રક્રિયા શું હતી? બીજી તરફ, મનપાની પહોંચનો ઉપયોગ કર્યા બાદ ગૂગલ પે મારફતે ચુકવણી કરવાની જરૂૂર શા માટે પડી, તે પણ તપાસનો વિષય બન્યો છે. મોરબી મહાનગરપાલિકા અગાઉ પણ હાજરીમાં ગેરરીતિના આક્ષેપો અને બિલોમાં છેડછાડના વિવાદોને લઈને ચર્ચામાં રહી છે. હવે ડીઝલના આ મામલે તંત્રની આંતરિક દેખરેખ અને દસ્તાવેજોના ઉપયોગ અંગે ફરી સવાલો ઊભા થયા છે. મનપાના નામે થતા ઇંધણના વ્યવહારોની નોંધ કોણ રાખે છે અને તેની જવાબદારી કોની છે, તે સ્પષ્ટ થવું જરૂરી છે.