છોટા ઉદેપુરમાં પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી બે માસૂમ બાળકીના મોત

લીકેજ પાઇપલાઇનના કારણે ભરાયેલા ખાડાએ ભોગ લીધો છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામમાંથી એક ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પાણી પુરવઠા…

લીકેજ પાઇપલાઇનના કારણે ભરાયેલા ખાડાએ ભોગ લીધો

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામમાંથી એક ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીને કારણે બે નિર્દોષ બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ ગામમાં પસાર થતી પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાને કારણે રસ્તા પર મોટા ખાડા પડી ગયા હતા. આ ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા તે મોતનો કૂવો બની ગયા હતા. ગઈકાલે આ ખાડાની આસપાસ રમતી બે બાળકી અચાનક પાણી ભરેલા આ ખાડામાં પડી ગઈ હતી. પાણી ઊંડું હોવાથી અને સમયસર મદદ ન મળવાથી બંને બાળકીઓનું ડૂબી જવાથી દુર્ઘટનાગ્રસ્ત મોત થયું હતું.

મૃતક બાળકીઓમાં નીરુમતિ ભીલ અને મીનાક્ષી ભીલનો સમાવેશ થાય છે. આ બંને બાળકીના અવસાનથી તેમના પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પાણી પુરવઠા વિભાગ દ્વારા લાંબા સમયથી પાઇપલાઇનનું લીકેજ સુધારવામાં આવ્યું ન હતું અને ખાડાઓનું સમારકામ કરવામાં પણ તંત્ર દ્વારા નિષ્કાળજી રાખવામાં આવી હતી. આ બેદરકારી જ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની છે. હાલ સ્થાનિક લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.