ગુજરાત
રૈયાની 149 એકર જમીન ખાલસા કરવાનો હુકમ માન્ય રાખતી હાઇકોર્ટ
એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એકટના વિવાદમાં ખાતેદાર પાળ દરબારને કાનૂની ફટકો, સરકારની મોટી જીત
પાળ દરબારની જસવંતપુરમાં પ1 એકર અને રૈયામાં 49.25 એકર જમીન ફાળવણી માન્ય, અન્ય 13 એકર સગીર પુત્રને પણ આપવા હાઇકોર્ટનો હુકમ
રાજકોટ શહેરની હદમાં રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં આવતી કરોડો રૂપિયાની કિંમતની સર્વે નં. 250 વાળી 198 એકર જમીનનો છેલ્લા 6 દાયકાથી ચાલતા કાનુની વિવાદમાં હાઇકોર્ટની ડિવીઝન બેન્ચે ચુકાદો આપ્યો છે અને આ 198 એકર પૈકીની 49.25 એકર જમીન મુળ ખાતેદાર પાળ દરબાર હરિશચન્દ્રસિંહ જાડેજાના પરિવારજનોને ફાળવવા અને બાકીની 148.75 એકર જમીન એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એકટ હેઠળ સરકાર હસ્તક લેવાના 1962માં મામલતદાર દ્વારા કરવામાં આવેલા હુકમને માન્ય રાખ્યો હતો. જો કે આ હુકમ બાદ હાઇકોર્ટમાં પક્ષકારોએ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવા સ્ટેની માંગણી કરતા હાઇકોર્ટે 4 અઠવાડીયાનો મનાઇ હુકમ આપેલ છે. સોનાની લગડી જેવી રૈયા સર્વે નં. 250 વાળી જમીનના કેસમાં અનેક પાર્ટીઓ પક્ષકાર તરીકે જોડાયેલ હોય લાંબા સમયથી આ કેસ અલગ – અલગ કોર્ટમાં ચાલતો હતો અને અંતે સુપ્રિમ કોર્ટમાંથી રિમાન્ડ થઇ ફરી હાઇકોર્ટની ડિવીઝન બેન્ચમાં ગત સોમવારે હાઇકોર્ટની ડિવીઝન બેન્ચે ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં 148.75 એકર જેટલી જમીન ફાજલ જાહેર કરતા રાજય સરકારને મોટી સફળતા મળી છે. જો કે હજુ આ વિવાદ સુપ્રિમ કોર્ટ સુધી પહોંચે તેમ હોય કાનુની લડાઇ લાંબી ચાલે તેવું જણાય છે.
આ સમગ્ર કેસની હકિકત એવી છે કે રાજકોટમાં પાળ સ્ટેટ પાસે જશવંતપુરમાં 113 એકર અને રૈયામાં 198 એકર મળી કુલ 311 એકર જમીન આવેલી હોય સમગ્ર દેશમાં એગ્રિકલ્ચર લેન્ડ સિલિંગ એકટ અમલી બનતા સરકાર દ્વારા પાળ દરબાર હરિશચન્દ્રસિંહ જાડેજાને 51-51 એકરના બે યુનિટ તેમજ સગીર પુત્ર માટે 13 એકર જમીન મળી કુલ 115 એકર જમીન ફાળવવામાં આવી હતી. જયારે બાકીની જમીન એ.એલ.સી.ના કાયદા અંતર્ગત ફાજલ જાહેર કરવામાં આવી હતી. આ હુકમ સમયે જે તે વખતે ખાતેદાર પાળ દરબારે નારાજ થઇ કાનુની લડત શરૂ કરી હતી અને રૈયા વિસ્તાર રૂડાની હદમાં આવતો હોવાથી તેમાં એગ્રિકલ્ચર લેન્ડ સિલિંગ એકટ લાગુ પડે નહીં, જયારે જશવંતપુરમાં તેમને મળવા પાત્ર 115 એકર સામને 113 એકર જ જમીન હોય સરકારને પોતાની માલિકીની કોઇપણ જમીન આપવાની થતી નથી, તેવી કોર્ટમાં દાદ માંગી હતી. આ ચકચારી કેસમાં વચ્ચે પાળ દરબારે રૈયાની 198 એકર જમીનમાંથી 30 એકર જમીન એક ખાનગી સોસાયટીને તેમજ 168 એકર જમીન કાન્તી પટેલ ઉર્ફે કાન્તી કપચીને વેંચાણ આપી દીધી હતી.
આ દરમિયાન પાળ દરબાર અને કાન્તી પટેલ વચ્ચે પણ કાનુની વિવાદ સર્જાતા સિવિલ કોર્ટમાંથી કાન્તી કપચીએ રૈયાની 168 એકર જમીનની ડીક્રી મેળવી હતી. પરંતુ આ વિવાદમાં હાઇકોર્ટમાં અપીલ થતાં રાજય સરકારના ધ્યાને ફાજલ જમીનનું વેંચાણ થયાનું આવતા હાઇકોર્ટમાં રાજય સરકાર પણ પક્ષકાર બની હતી અને સરકારે પાળ દરબારને એ.એલ.સી.ના કાયદા મુજબ કુલ 115 થી વધુ જમીન મળવા પાત્ર નથી તેવો પક્ષ રજુ કર્યો હતો. હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ ચાલેલા આ કેસમાં એક સમયે હાઇકોર્ટે સરકારની અપીલ ફગાવી દીધી હતી અને જશવંતપુર તથા રૈયાની તમામ જમીન ખાતેદાર હરિશચન્દ્રસિંહ જાડેજાની હોવાનો ચુકાદો આપ્યો હતો. આ દરમિયાન સરકારી ડિવીઝન બેન્ચમાં અપીલ કરી હતી. તેમાં ડિવીઝન બેન્ચે એ.એલ.સી. ટ્રિબ્યુનલને પક્ષકાર તરીકે જોડવા સરકારને નોટીસો બજવી હતી. પરંતુ સરકારે એ.એલ.સી. ટ્રિબ્યુનલને પક્ષકાર નહીં બનાવતા સરકારની અપીલ ડિવીઝન બેન્ચે ફગાવી દીધી હતી.ડિવીઝન બેન્ચના આ ચુકાદા સામે રાજય સરકાર સુપ્રિમ કોર્ટમાં પહોંચી હતી. ત્યાં કાનુની વિવાદ વચ્ચે સરકારે હાઇકોર્ટમાં આ કેસના મેરીટ ચેક નહીં થયાનું જણાવી કેસ ફરી હાઇકોર્ટમાં રિમાન્ડ કરવા રજૂઆત કરતા વર્ષ 2013-14 માં સમગ્ર કેસ હાઇકોર્ટની ડિવીઝન બેન્ચમાં રિમાન્ડ થયો હતો અને ત્યારથી હાઇકોર્ટમાં કાનુની જંગ ચાલી રહયો હતો.
ગત સોમવારે હાઇકોર્ટની ડિવીઝન બેન્ચે આપેલા ચુકાદામાં એવું જણાવ્યું હતું કે એગ્રિકલ્ચર લેન્ડ સિલિંગ એકટ અમલમાં આવ્યા બાદ રૂડાની રચના થઇ હોવાથી ખાતેદાર પાળ દરબાર સામે એગ્રિકલ્ચર લેન્ડ સિલિંગ એકટ લાગુ પડે છે અને તેથી તેમને જશવંતપુર તથા રૈયામાં આવેલી કુલ હોલ્ડીંગની 311 એકર જમીન પૈકી 51-51 એકરના અગાઉ રૈયા અને જશવંતપુરમાં ફાળવેલા બે યુનિટ ઉપરાંત તે વખતના સગીર પુત્ર માટે 13 એકર જમીન ફાળવવા સિવાય બાકીની જમીન એ.એલ.સી. એકટ હેઠળ ફાજલ જાહેર કરવામાં આવે છે. આ સાથે ખાતેદારના સગીર પુત્ર માટે 13 એકર જમીન ફાળવવામાં ખાતેદાર તેના હોલ્ડીંગવાળી જે પણ જમીન માંગે તેમાંથી ફાળવવા પણ હાઇકોર્ટે સરકારને સુચના આપી હતી.આ કેસમાં પાળ દરબાર દ્વારા જે – તે વખતે કાન્તી કપચીની સિધ્ધી ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીને 148 એકર જમીનનું વેંચાણ કરવામાં આવેલ હોય સિધ્ધી ઇન્ફ્રાસ્ટ્રકચરે હાઇકોર્ટની ડિવીઝન બેન્ચના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવા મનાઇ હુકમની માંગણી કરતા હાઇકોર્ટે 4 અઠવાડીયા સુધી પોતાના જ હુકમ સામે મનાઇ હુકમ ફરમાવ્યો હતો.