આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા ક્રિકેટર અભિષેક પોરેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કોલકાતા હાઈકોર્ટે મેડિકલની વિદ્યાર્થીની સાથે કથિત દુષ્કર્મ, પ્રાઇવેટ ફોટાના આધારે બ્લેકમેલ અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવાના કેસમાં અભિષેક પોરેલ સહિત બે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે હૂગલીના મગરા પોલીસ સ્ટેશનને બંને આરોપીઓની ઝડપથી ધરપકડ કરવા અને તેમના મોબાઇલ, લેપટોપ સહિત તમામ ઇલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત કરવા નિર્દેશ આપ્યો છે. જેના કારણે કથિત આપત્તિજનક તસવીરો અને વીડિયો વધુ વાયરલ થતા અટકાવી શકાશે. ફરિયાદી વિદ્યાર્થીનીનો આરોપ છે કે પ્રેમના બહાને તેની સાથે યૌન શોષણ કરવામાં આવ્યું હતું. આરોપીએ તેની જાણ બહાર પ્રાઇવેટ ફોટા અને વીડિયો બનાવ્યા હતા. ત્યારબાદ આના આધારે તેને બ્લેકમેલ કરવામાં આવી અને તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.
આ મામલે અગાઉથી મગરા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાઈ ચૂકી છે. જોકે, હજુ સુધી પોલીસે આરોપીઓના ઇલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત કર્યા નથી. વિદ્યાર્થીનીના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે જ્યાં સુધી આરોપીઓના મોબાઇલ અને અન્ય ડિવાઈસ જપ્ત નહીં થાય, ત્યાં સુધી પ્રાઇવેટ ફોટાનો દુરુપયોગ થવાનો ભય યથાવત રહેશે. વકીલોએ એવો પણ દાવો કર્યો કે બંને આરોપીઓએ માત્ર આ વિદ્યાર્થીની જ નહીં, પરંતુ અનેક મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી તેમની પ્રાઇવેટ ફોટા મેળવ્યા હતા અને બાદમાં બ્લેકમેલ કર્યા હતા. આ દાવાને સમર્થન આપતા કેટલાક પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે હાઈકોર્ટને જણાવ્યું કે આરોપીઓની ધરપકડ માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારબાદ કોર્ટે પોલીસને અત્યાર સુધીની કાર્યવાહી અંગેનો અહેવાલ 11 ઓગસ્ટ સુધીમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી પણ 11 ઓગસ્ટે યોજાશે.
