રોહિત શર્માની ઐતિહાસિક સદી અને શુભમન ગીલની 77 રનની ઇનિંગ એળે ગઇ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી લીધી છે. લોર્ડ્સમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતીય ટીમને જીતવા માટે 388 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે જોરદાર લડત આપી હતી પરંતુ 360 રન જ બનાવી શકી હતી, આમ ઇંગ્લેન્ડની ટીમે 27 રને જીત મેળવી હતી. સિરીઝની સાથે વનડે સિરીઝ પણ 2-1થી ગુમાવી છે.
388 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 147 રનની પાર્ટનરશીપ કરીને ઇંગ્લેન્ડના બોલરો પર દબાણ ઊભું કર્યું હતું. શુભમન ગિલે 84 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 77 રનની ઇનિંગ્સ રમી હતી. આ તેમની વનડે કારકિર્દીની 20મી અડધી સદી હતી. જોકે, આદિલ રશીદે તેમને એલબીડબ્લ્યુ આઉટ કરતાં ભારતને પ્રથમ ઝટકો લાગ્યો.
શુભમનના આઉટ થયા બાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો અને રોહિત સાથે મળીને ફરી એકવાર ઇનિંગ્સને મજબૂતી આપી. બંનેએ ઇંગ્લેન્ડના બોલરો સામે આક્રમક બેટિંગ કરતાં બીજી વિકેટ માટે 113 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી. આ દરમિયાન રોહિત શર્માએ માત્ર 84 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી અને લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર વનડેમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર બનવાનું ગૌરવ મેળવ્યું. રોહિતે 110 બોલમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 138 રનની તોફાની ઇનિંગ્સ રમી. જોકે, જેકબ બેથેલે તેને બોલ્ડ કરતાં ભારતને સૌથી મોટો ફટકો લાગ્યો.
રોહિતના આઉટ થયા પછી મિડલ ઓર્ડર સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો. ઈશાન કિશન 14 રન અને શ્રેયસ અય્યર ખાતું પણ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો. બંનેને 44મી ઓવરમાં સેમ કરને પેવેલિયન ભેગા કર્યા હતા. ત્યારબાદની ઓવરમાં કરને વિરાટ કોહલીની પણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી લીધી. કોહલીએ 60 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 74 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી, જે તેની વનડે કારકિર્દીની 79મી અડધી સદી હતી.
કોહલીના આઉટ થતાં જ ભારતની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું. કેએલ રાહુલ પણ માત્ર 12 રન બનાવી જોફ્રા આર્ચરનો શિકાર બન્યો, જ્યારે અક્ષર પટેલને પણ સેમ કરને માત્ર 2 રન પર આઉટ કરી દીધો. અંતિમ ઓવરોમાં ગુરનૂર બરાડે અણનમ 18 અને અર્શદીપ સિંહે અણનમ 15 રન બનાવ્યા, પરંતુ તેઓ ભારતને જીત સુધી પહોંચાડી શક્યા નહીં. રોહિત શર્માની શાનદાર સદી છતાં ભારતીય ટીમ ટાર્ગેટ પાર પાડવામાં નિષ્ફળ રહી અને ઇંગ્લેન્ડે મેચ પોતાના નામે કરી.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 387 રન ફટકાર્યા હતા. આ લોર્ડ્સના મેદાન પર વનડે ક્રિકેટના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. ઇંગ્લેન્ડને મેચમાં શાનદાર શરૂૂઆત મળી હતી. ઓપનર બેન ડકેટ અને જેકબ બેથેલે ભારતીય બોલરોને શરૂૂઆતથી જ બેકફૂટ પર ધકેલી દીધા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 192 રનની શાનદાર પાર્ટનરશીપ કરી હતી. આ દરમિયાન તેમણે ભારત સામે વનડેમાં ઇંગ્લેન્ડ તરફથી પ્રથમ વિકેટ માટેની સૌથી મોટી પાર્ટનરશીપનો રેકોર્ડ પણ બનાવ્યો. તેમણે 2019માં જેસન રોય અને જોની બેયરસ્ટો દ્વારા નોંધાયેલા 160 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો.
બેન ડકેટે 135 બોલમાં 18 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 141 રનની શાનદાર સદી ફટકારી હતી. તેને પ્રિન્સ યાદવે આઉટ કર્યો હતો. બીજી તરફ જેકબ બેથેલ સદી ચૂકી ગયા હતા, પરંતુ તેમણે 93 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 91 રન બનાવ્યા હતા. તેને પ્રસિદ્ધ કૃષ્ણાએ આઉટ કર્યો હતો.
હેરી બ્રૂક માત્ર 14 રન બનાવીને આઉટ થયા, પરંતુ ત્યારબાદ જો રૂૂટ અને કેપ્ટન જોસ બટલરે ભારતીય બોલરોની લાઇન-લેન્થ સંપૂર્ણપણે બગાડી નાખી. ઇનિંગ્સના અંતિમ ઓવરોમાં બંનેએ તોફાની બેટિંગ કરતાં માત્ર 21 બોલમાં અણનમ 63 રનની ભાગીદારી નોંધાવી. જો રૂૂટે પોતાની ક્લાસિક બેટિંગનું પ્રદર્શન કરતાં માત્ર 48 બોલમાં 9 ચોગ્ગાની મદદથી અણનમ 74 રન ફટકાર્યા. રૂૂટે ડકેટ સાથે બીજી વિકેટ માટે 101 રનની ભાગીદારી પણ કરી હતી. જ્યારે જોસ બટલરે અંતિમ ઓવરોમાં ટી-20 સ્ટાઇલમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. બટલરે માત્ર 13 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 41 રન બનાવ્યા હતા.
રોહિત-કોહલી 400 મેચ રમનાર પ્રથમ ભારતીય જોડી
ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાઈ રહેલી છેલ્લી વનડે મેચમાં ભારતના બે સૌથી અનુભવી બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મળીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ બંને ભારતની એવી પહેલી જોડી બની ગયા છે, જેમણે એકસાથે મળીને 400 ઇન્ટરનેશનલ મેચ રમવાનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે. રોહિત અને વિરાટની જોડી પહેલાથી જ ભારત માટે સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચ રમનારી જોડી બની ગઈ હતી. તેમણે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના 391 મેચોમાં સાથે રમવાના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. ક્રિકેટ ઇતિહાસમાં એકસાથે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધનેના નામે છે, જેમણે એકસાથે 550 મેચ રમી છે. તેમના પછી બીજા નંબરે તિલકરત્ને દિલશાન અને જયવર્ધનેની જોડીનું નામ છે, તે બંનેએ સાથે મળીને 426 મેચ રમી હતી. ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલી એકસાથે 400 મેચ રમીને આ સમગ્ર યાદીમાં સાતમા સ્થાને આવી ગયા છે.

