રોગ-બીમારીથી સિંહોના મૃત્યુ અંગે હાઈકોર્ટ ચિંતિત

સિંહોના આકસ્મિક મૃત્યુ મામલે સુઓમોટો રિટની સુનાવણી હાઇકોર્ટ સમક્ષ થઇ હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠ સમક્ષ આ કેસની સુનાવણી દરમિયાન રેલવે વિભાગ અને રાજ્ય…

સિંહોના આકસ્મિક મૃત્યુ મામલે સુઓમોટો રિટની સુનાવણી હાઇકોર્ટ સમક્ષ થઇ હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠ સમક્ષ આ કેસની સુનાવણી દરમિયાન રેલવે વિભાગ અને રાજ્ય સરકાર તરફથી લેવામાં આવેલા પગલાંની માહિતી આપવામાં આવી રહી હતી, ત્યારે ચીફ જસ્ટિસે હાલમાં બીમારી અને રોગથી સિંહોના થયેલાં મૃત્યુ પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અલબત્ત, હવે આ સુઓમોટોમાં કાર્યવાહી અંગેનો રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશ કરવામાં આવ્યા છે.

વર્ષ 2018 માં ગુજરાતમાં એશિયાટિક સિંહોના અપમૃત્યુના પગલે સુઓ મોટો પિટિશન હાથ ધરવામાં આવી હતી. જે કેસમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે સિંહોના બીમારીથી મૃત્યુના સમાચાર અંગે ચિંતા વ્યકત કરતા તેને અપ્રિય સમાચાર કહ્યા હતા. વળી સિંહ કોરિડોરમાં સિંહ દર્શન માટે રેલવેમાં વિસ્ટાડોમ કોચ જોડવાના સરકારના આયોજન અંગે પૂછ્યું હતું.

સરકાર તરફથી જણાવાયું હતું કે સિંહોના વસવાટના વિસ્તારોમાં રેલવે લાઇન ઉપર ઇન્ટ્રુશન ડિટેકશન ડિવાઈસ લગાવવાની કામગીરી ચાલી રહી છે, જે ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થઈ જશે. આ ડિવાઈસ લાગી જતા રેલવે ટ્રેકના 15 મીટરના વિસ્તારોમાં સિંહોની હલન ચલન ખબર પડતા, અકસ્માત ટાળી શકાશે. સિંહોના કોરિડોરમાં રેલવે લાઇનને બ્રોડગેજમાં ફેરવવાનો નિર્ણય પડતો મુકાયો છે. વળી સિંહ કોરિડોરમાં અંડરપાસ પણ પ્રિ મોન્સૂન કામગીરીને લઈને સાફ કરાઈ રહ્યા છે. કોર્ટે રેલવે અને જંગલ ખાતાની સંયુક્ત કમિટી દ્વારા રિપોર્ટ રજૂ કરવા પણ નિર્દેશ આપ્યા છે.

નોંધનીય છે કે જામનગર, રાજુલા, મહુઆ, પીપાવાવ જેવા સિંહોના વિસ્તાર જે ભાવનગર રેલવે ડિવિઝનમાં આવેલાં છે. તેમાં ડિવાઇસ લગાવવામાં આવી રહ્યા છે. રેલવે અને વન વિભાગની બનેલી હાઈ લેવલ કમિટીએ આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રેલ્વે ટ્રેકના 15 મીટરના વિસ્તારમાં સિંહોની હલચલ હશે તો તેની જાણ અગાઉથી થતા અકસ્માત ઝીરો થશે. ચાલુ વર્ષે એક પણ સિંહનો ટ્રેન સાથે અકસ્માત મૃત્યુ થયું નથી.

આ પ્રોજેક્ટમાં ફાઈબર કેબલ જંગલમાંથી પસાર થતી રેલવે લાઈનને સમાંતર નાખવામાં આવશે. જેથી સિંહોની અવર જવરની અગાઉથી રેલવે પાયલટ અને વન વિભાગના અધિકારીઓને ખબર પડતાં, અકસ્માત અટકાવી શકાશે. અગાઉ કોર્ટે ગત વર્ષે સિંહોના અપમૃત્યુ અંગે રિપોર્ટ પણ માંગ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે રેલવે અને જંગલ વિભાગના સેક્રેટરીએ એક હાઈ લેવલ કમિટી બનાવી છે.