મોરબીના જસાપર પાસે નવો બાયપાસ કાઢી જમીન સંપાદન કરવાનો મુદો સળગી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ધરાઇ ગામે ખેડુતોની પોતાની માલિકીની વાડીમાંથી વીજ કંપની દ્વારા 66 કેવીની લાઇન પસાર કરવા બાબતે ખેડુતો અને તંત્ર વચ્ચે વિવાદ સર્જાયો છે. 11 તારીખે માત્ર એક જ દિવસની ટુંકી નોટીસ આપી બીજા જ દિવસે પોલીસ કાફલા સાથે વિજ અધિકારી થાંભલા નાખવા પહોંચ્યા હતા.
ખેડુતોની સંમતિ કે મંજુરી વિના ખેડુતોની માલિકીની વાડીઓમાં જબરદસ્તી પુર્વક 66 કેવીની હાઇટેન્શન વીજ લાઇન અને મોટા પોલી (થાંભલા) ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખેડુતોમાં વ્યાપક રોષ ફાટી નિકળ્યો છે.
સ્થાનિક ખેડુતોએ જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા ગત તા.11ના રોજ ખેડુતોને માત્ર 24 કલાક જેટલી ટુંકી મુદતની નોટીસ આપવામાં આવી હતી. આ નોટીસનો યોગ્ય જવાબ કે ખેડુતોને ન્યાય મળે તે પહેલા જ બીજા દિવસે આનંદપર પોલીસ સ્ટેશનના મોટા પોલીસ કાફલાને સાથે રાખીને વીજ કંપનીના અધિકારીઓ ખેતરોમાં ધસી આવ્યા હતા. પોતાની સ્વતંત્ર માલિકીની જમીનમાં આજીવન નુકશાન કરતા વીજ વાયરો નાખવાથી ત્રણથી ચાર ખેડુતોે સ્પષ્ટ ના પાડી હોવા છતાં પોલીસના જોરે બળપુર્વક કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ખેડુતોએ પોતાના ખેતરોમાં મોંઘા બિયારણ અને ખાતર નાખીને કિંમતી પાકનું વાવેતર કરેલુ છે અથવા તો ખેડ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જેસીબી અને ભારે વાહનો વાડીઓમાં ઘુસાડીને ખેતરોને નુકશાન કર્યાનો ખેડુતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાઇટેન્શન લાઇન પસાર થવાથી ખેડુતોની જમીનની કિંમત આજીવન શુન્ય થઇ જશે અને ખેતી કામ કરવું પણ જોખમી થઇ જવાનો ખેડુતોએ આક્ષેપ કર્યો છે.
