નાના રણમાં વાવાઝોડા વચ્ચે ફસાયેલા 17 શ્રદ્ધાળુઓનું કચ્છ પોલીસ દ્વારા દિલધડક રેસ્ક્યુ

પૂર્વ કચ્છના આડેસર પોલીસ વિસ્તારમાંથી ખાખી વર્દીની માનવતા અને બહાદુરીનો એક ઉત્કૃષ્ટ કિસ્સો સામે આવ્યો છે. વછરાજ ધામ નજીક આવેલા નાના રણ વિસ્તારમાં 17 જેટલા…

પૂર્વ કચ્છના આડેસર પોલીસ વિસ્તારમાંથી ખાખી વર્દીની માનવતા અને બહાદુરીનો એક ઉત્કૃષ્ટ કિસ્સો સામે આવ્યો છે. વછરાજ ધામ નજીક આવેલા નાના રણ વિસ્તારમાં 17 જેટલા શ્રદ્ધાળુઓ એક ટ્રેક્ટર સાથે રણમાં ફસાઈ ગયા હતા. મોડી રાત્રે અચાનક આવેલા તીવ્ર વાવાઝોડા અને ભારે વરસાદને કારણે રણની માટી કાદવમાં ફેરવાઈ ગઈ હતી, જેના લીધે શ્રદ્ધાળુઓનું ટ્રેક્ટર રણની અધવચ્ચે કાદવમાં ખુંપી ગયું હતું.

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને તેમણે બચાવ કામગીરી માટે કડક આદેશો જારી કર્યા હતા. એસપીની સૂચના મળતા જ આડેસર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. આચાર્ય અને તેમનો પોલીસ સ્ટાફ ભારે જોખમ અને પ્રતિકૂળ હવામાનની પરવા કર્યા વિના રાત્રિના સમયે જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

રણના મુશ્કેલ રસ્તાઓ અને ચારેય તરફ ફેલાયેલા કાદવ વચ્ચે પોલીસે ભારે જહેમત ઉઠાવીને રેસ્ક્યુ ઓપરેશન શરૂૂ કર્યું હતું. ટૂંક જ સમયમાં પોલીસે ટ્રેક્ટરમાં સવાર તમામ 17 શ્રદ્ધાળુઓને એકપણ ઈજા વગર સલામત રીતે બહાર કાઢી લીધા હતા અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

પોલીસની આ કામગીરી માત્ર લોકોને બહાર કાઢવા પૂરતી સીમિત ન રહી, પરંતુ તેમણે સાચા અર્થમાં માનવતા મહેકાવી હતી. રણમાંથી સુરક્ષિત બહાર લાવવામાં આવેલા તમામ શ્રદ્ધાળુઓ ભૂખ્યા અને થાકેલા હોવાથી પોલીસે તાત્કાલિક તેમના માટે ગરમ જમવાની વ્યવસ્થા કરી હતી. શ્રદ્ધાળુઓ સ્વસ્થ થયા બાદ, પોલીસે પોતાની દેખરેખ હેઠળ તમામ લોકોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. પોલીસના આ સમયસરના રેસ્ક્યુ અને સંવેદનશીલ અભિગમ બદલ શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક લોકોએ પૂર્વ કચ્છ પોલીસ અને આડેસર પોલીસની ભારે પ્રશંસા કરી છે.