Site icon Gujarat Mirror

સુરતમાં હૈયું હચમચાવી દેતી ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી લગાવી છલાંગ, દીકરાનું મોત

 

 

સુરતના અલથાણ વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં માસુમ પુત્રનું મોત થયું છે. જ્યારે માતાની હાલત અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ અલથાણ વિસ્તારમાં આવેલી એક બહુમાળી બિલ્ડિંગમાં રહેતી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હતું. મહિલાએ પોતાના પુત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી હતી. ત્યારે તે નીચે પાર્ક કરેલી એક કાળા રંગની કાર પર પટકાઈ હતી. મહિલા કારના પાછળના ભાગે પડતાં કારનો કાચ તૂટી ગયો હતો અને અને પાછળનો ભાગ દબાઈ ગયો હતો. આ ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ અકસ્માતમાં માસૂમ પુત્રનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચયો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને માતાએ કયા કારણસર આટલું આત્મઘાતી પગલું ભર્યું એ દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

Exit mobile version