રાજકોટ પંથકમાં હાર્ટએટેકનો ઉપાડો: ત્રણના હાર્ટ ફેલ

ઉપલેટામાં બાઈકને કિક મારતી વખતે આધેડ, સદભાવના વૃધ્ધાશ્રમના વૃધ્ધ અને ફ્રૂટના ધંધાર્થી બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ…

ઉપલેટામાં બાઈકને કિક મારતી વખતે આધેડ, સદભાવના વૃધ્ધાશ્રમના વૃધ્ધ અને ફ્રૂટના ધંધાર્થી બેભાન હાલતમાં ઢળી પડતાં મોત

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયાની ઘટના સામે આવી છે. જેમાં ઉપલેટામાં બાઈકને કીક મારતી વખતે આધેડ, પડધરીમાં સદ્ભાવના વૃધ્ધાશ્રમ વૃધ્ધ અને રાજકોટમાં ફ્રુટના ધંધાર્થી બેભાન હાલતમાં ઢળી પડયા બાદ દમ તોડી દીધો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉપલેટામાં રહેતાં લક્ષ્મણભાઈ અમરાભાઈ કટારા (ઉ.58) ત્રણ દિવસ પૂર્વે વહેલી સવારે ઉપલેટા બસ સ્ટેશન પાસે પોતાના બાઈકમાં કીક મારતાં હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં ઢળી પડયા હતાં. આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

બીજા બનાવમાં પડધરીમાં આવેલ સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા જયસુખભાઈ નાગજીભાઈ પીઠડીયા (ઉ.65)ને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે વૃધ્ધનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું.

ત્રીજા બનાવમાં રાજકોટમાં મોરબી રોડ પર આવેલા પાવન પાર્કમાં રહેતાં અને રેસકોર્સ રીંગ રોડ પર ફ્રુટનો ધંધો કરતાં જીગ્નેશભાઈ પ્રભુદાસભાઈ ઉમરાણીયા (ઉ.44) પોતાના ઘરે હતાં ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.