કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર સૌથી વધુ પાણીદાર બનશે : પાટીલ

લોકભારતી સણોસરા માં કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો અભિનવ સન્માન સમારોહ યોજાયો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો અભિનવ…

લોકભારતી સણોસરા માં કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો અભિનવ સન્માન સમારોહ યોજાયો

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો અભિનવ સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રહેલાં જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ દ્વારા જણાવાયું કે, કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે.

વૈશ્વિક કક્ષાએ નોંધનીય બનનાર કલ્પસર યોજના માટે સક્રીય વિચારક અને માર્ગદર્શક વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ લોકભારતી સણોસરામાં જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ નાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મંત્રી સી. આર. પાટીલ દ્વારા ઉદબોધનમાં જણાવાયું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત 2047 અભિગમમાં પાણી સંગ્રહ અને તેની યોજનાઓ કેન્દ્રમાં રહેલી છે.

કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર અને હરિયાળો પ્રદેશ બનશે. સન્માનિત વિનુભાઈ ગાંધીએ અગાઉ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલ્પસર માટે કરાયેલ સંકલ્પ હવે સાકાર થશે તેવી આશા વ્યક્ત કરી અને ઉમેર્યું કે ખંભાતનો અખાત વિસ્તાર એ પ્રકૃતિએ આપણને આપેલી મોટી ભેટ છે, જ્યાં કલ્પસર સાકાર થશે. કલ્પસર સહયોગ સમિતિ દ્વારા પુરષોત્તમભાઈ કમાણી અને મહાનુભાવોના હસ્તે આ સન્માન અર્પણ થયું હતું. આ સન્માનમાં મળેલ રૂૂપિયા 11,11,111 રકમમાં રૂૂપિયા 11,111 ઉમેરીને આ પ્રવૃત્તિને સહયોગી બનવા આ રાશિ સન્માનિત વિનુભાઈ ગાંધીએ પરત અર્પણ કરી હતી.

પ્રારંભે જીવરાજભાઈ સુરાણી (ધારૂૂકાવાળા) તથા લોકભારતી સંસ્થાના વડા અને લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સન્માન પત્રનું વાચન લોકભારતી વિશ્વવિદ્યાલયના વિશાલભાઈ ભાદાણીએ કર્યું હતું. આભારવિધિ શ્રી કમલ નયનભાઈ સોજીત્રાએ કરી હતી. કાર્યક્રમ સંચાલન હાર્દિકભાઈ સોરઠિયા એ કર્યું હતું. પ્રારંભે લોકભારતી સંગીતવૃંદ દ્વારા ગીત ગાન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. મોજીલી શાળા આંબલાના બાળકો દ્વારા યોગાસન અને સાંસ્કૃતિક અભિવ્યક્તિ સાથે મહેમાનોને આવકારેલ હતા.