રાજકોટમાં ગોકુલધામ પાસે રહેતાં અને કોસ્મેટીકનો ધંધો કરતાં વેપારી અને બે પ્રૌઢાનું હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં ગોકુલધામ વિસ્તારમાં રહેતાં અને કોસ્મેટીકનો ધંધો કરતાં દિવ્યાંગભાઈ જીતેન્દ્રભાઈ ઠાકર (ઉ.40) પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. બીજા બનાવમાં કાલાવડ રોડ પર વામ્બે આવાસ કવાર્ટરમાં રહેતા રામુબેન છગનભાઈ જેઠવા (ઉ.53) વહેલી સવારે છ વાગ્યાના સમયે પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ત્રીજા બનાવમાં પડધરીમાં આવેલા રજપુતવાસમાં રહેતાં ઉર્મિલાબેન આંબાભાઈ ગોહિલ (ઉ.64) પોતાના ઘરે હતાં ત્યારે રાત્રીના સમયે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
