રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી ધબકારા ચુકી રહી છે ત્યારે વધુ બે બનાવમાં રાજકોટમાં મનપાના સેનેટરી ઈન્સ્પેકટર અને કારખાનેદારનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં બન્ને પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર આવેલી જનકપુરી સોસાયટીમાં રહેતાં અને મહાનગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં રિતેશભાઈ વશરામભાઈ કારણીયા (ઉ.44) પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે રિતેશભાઈ કારીયાણાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક રિતેશભાઈ કારણીયા બે બહેનોના એકના એક ભાઈ હતાં અને આર.એમ.સી.માં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં હતાં.
આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા રૂડાનગર-1માં રહેતા હર્ષવર્ધનસિંહ દિલીપસિંહ જાદવ નામના 47 વર્ષના આધેડ પોતાના ઘરે હતાં ત્યારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક હર્ષવર્ધનસિંહ જાદવ એક ભાઈ એક બહેનમાં નાના હતાં.અને તેમને સંતાનમાં એક પુત્રી છે. હર્ષવર્ધનસિંહ જાદવ કાસ્ટીંગનું કારખાનું ધરાવતાં હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
