શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકો ધબકારા ચૂકી ગયા છે. જેમાં શ્રમિક યુવાન, પ્રૌઢા અને બે આધેડના મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ટીલાળા ચોકડી પાસે કંપનીમાં કામ કરતા વંથલી પંથકના મહેશ દિનેશભાઇ માકડીયા (ઉ.વ.35) કારખાનાની ઓરડીમાં બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા તબીબે યુવકનું હાર્ટએટેકથી મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું.બીજા બનાવમાં રૈયા ચોકડી પાસે ચંદનપાર્કમાં રહેતા રાજેશભાઇ નાનાલાલ મચ્છોયા (ઉ.વ.50) પોતાના ઘરે હતા ત્યારે મધરાત્રે હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજ્યુ હતું. ત્રીજા બનાવમાં રણુજા મંદિર પાસે આવેલ સ્વાતીપાર્કમાં રહેતા કંચનબેન નરશીભાઇ બાવળીયા નામના 48 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યા તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કર્યા હતા.
આ ઉપરાંત ચોથા બનાવમાં ગોંડલ રોડ પર એસટી વર્કશોપની પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતા સુરેશભાઇ ગાંગજીભાઇ રાઠોડ નામના 45 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. ઉ5રોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
