પત્ની સાથેની મિત્રતાનો ખાર રાખી યુવકને ઘરમાં બંધ કરી કુકરના ઢાંકણાના આઠેક ઘા ઝીંકી દીધા

રાજકોટ શહેરના પરસાણાનગર શેરી નંબર 6 માં રહેતા અને ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ કરતા 41 વર્ષીય સત્યદેવ મહેશભાઈ હીરાણી નામના યુવકે આ અંગે ગાયકવાડી શેરી નંબર…

રાજકોટ શહેરના પરસાણાનગર શેરી નંબર 6 માં રહેતા અને ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ કરતા 41 વર્ષીય સત્યદેવ મહેશભાઈ હીરાણી નામના યુવકે આ અંગે ગાયકવાડી શેરી નંબર 5 માં રહેતા મોહમ્મદભાઈ પરમાર અને તેમના પુત્ર રાહુલ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગતો મુજબ, ભોગ બનનાર સત્યદેવભાઈ અને આરોપી મોહમ્મદભાઈના પત્ની જરીનાબેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક તેમજ મિત્રતાના સંબંધો હતા અને તેઓ ક્યારેક ધાર્મિક સ્થળોએ દર્શન કરવા સાથે જતા હતા. આ મિત્રતા આરોપી મોહમ્મદભાઈ અને તેમના પુત્ર રાહુલને પસંદ ન હોવાથી તેઓ મનમાં ખાર રાખતા હતા. ગત તારીખ 15 ઓક્ટોબર 2026 ના રોજ સાંજે આરોપી રાહુલે સત્યદેવભાઈને ફોન કરીને વાતચીત કરવા અને સમાધાન કરવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. સત્યદેવભાઈ ત્યાં પહોંચતા જ આરોપીઓએ ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો અને તેમને પહેલા માળે લઈ ગયા હતા.

ઘરની અંદર લઈ જઈને બંને આરોપીઓએ અચાનક સત્યદેવભાઈને ઢીકાપાટુનો બેરહેમ માર મારવાનું શરૂૂ કર્યું હતું અને ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, આરોપીઓ તેમને દાદરાથી નીચે ઢસડીને હોલમાં લાવ્યા હતા, જ્યાં મોહમ્મદભાઈએ કુકરના ઢાંકણાથી સત્યદેવભાઈના માથાના ભાગે આડેધડ 8 થી 10 ઘા ઝીંકી દીધા હતા. આ હુમલાને કારણે યુવકના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે જરીનાબેને તેમને બચાવવા અને બહાર નીકળવા દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપીઓએ તેમને પણ પકડીને અંદર ખેંચી લીધા હતા અને માર માર્યો હતો.

હુમલા દરમિયાન આરોપી રાહુલે ઘરમાંથી છરી કાઢીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું અને ધમકી આપી હતી કે તેઓ 8-10 માણસો સાથે તેમના ઘરે આવીને આખા ખાનદાનને પતાવી દેશે તેમજ આજીડેમ લઈ જઈ અકસ્માત કરાવી જાનથી મારી નાખશે. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા સત્યદેવભાઈને 112 ની સરકારી ગાડી અને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું અને ત્રણ ટાંકા આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તબિયતમાં સુધારો થતાં તેમણે આખરે પોલીસ મથકે પહોંચીને કાયદેસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પીએસઆઈ કે.કે. ચાવડા અને તેમની ટીમે તપાસ શરૂૂ કરી છે.