રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડ બહાર ગત શુક્રવારે એમ્બ્યુલન્સના પેસેન્જર બેસાડવા અને ભાડું નક્કી કરવા જેવી સામાન્ય બાબતે બે એમ્બ્યુલન્સ ચાલકો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. આ વિવાદ જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગયો હતો, જેમાં બંને પક્ષે ઈજાઓ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં સામસામી કાયદેસરની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં થોડીવાર માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની વિગત મુજબ, કોઠારીયા રોડ પર રહેતા અને ઇકો ગાડી એમ્બ્યુલન્સ તરીકે ફેરવતા દડુભાઈ રવજીભાઈ ચૌહાણ (ઉં.વ. 50) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ 23 ઓક્ટોબર 2026ના રોજ બપોરે સાડા ચારેક વાગ્યે સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી ગેટ પાસે હાજર હતા. તે સમયે એક વ્યક્તિ અમરેલી ખાતે ડિલિવરીના કેસના દર્દીને લઈ જવા માટે એમ્બ્યુલન્સની શોધમાં હતો. દડુભાઈએ તેની સાથે રૂૂપીયા 2000માં ભાડું નક્કી કરી પોતાની ગાડી નંબર GJ-03-BY-3267 ત્યાં લાવી દર્દીને બેસાડવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન અન્ય એમ્બ્યુલન્સ ચાલક જોગાભાઈ મિયાત્રા અને રંગાભાઈ ઉર્ફે વિપુલ ત્યાં ધસી આવ્યા હતા અને “અમારું 2500 રૂૂપિયાનું નક્કી થયેલું ભાડું તમે કેમ બગાડો છો” તેમ કહી ઝઘડો શરૂૂ કર્યો હતો. આરોપીઓએ દડુભાઈ સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો અને છાતી તેમજ જમણા હાથ પર નખ મારી સામાન્ય ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, જોગાભાઈ મિયાત્રાએ દડુભાઈની ગાડીના આગળના મેઈન કાચ પર મુક્કો મારી કાચ તોડી નાખ્યો હતો અને ભવિષ્યમાં જોવા મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામે પક્ષે, ચુનારાવાડ વિસ્તારમાં રહેતા અને ભાગીદારીમાં ઈકો એમ્બ્યુલન્સ (GJ-03-BY-3267) ચલાવતા યોગેશભાઈ ધીરૂૂભાઈ મિયાત્રા (ઉં.વ. 45) એ પણ દડુભાઈ રવજીભાઈ વિરૂૂદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. યોગેશભાઈના જણાવ્યા મુજબ, ડિલિવરી કેસના દર્દીના સગા સાથે તેઓએ અગાઉથી જ અમરેલી જવા માટે રૂૂપીયા 2000 ભાડું નક્કી કરી રાખ્યું હતું. આ દરમિયાન દડુભાઈ ત્યાં પોતાની ગાડી લઈને આવ્યા હતા અને રૂૂપીયા 1800 જેવું ઓછું ભાડું કહી પેસેન્જરને પોતાની ગાડીમાં બેસાડવા લાગ્યા હતા. યોગેશભાઈએ આ બાબતે ટોકતા દડુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને યોગેશભાઈના નાક પર જોરદાર મુક્કો મારી દીધો હતો તેમજ બંને હાથના પંજા પર મૂઢ માર મારી ઈજા પહોંચાડી હતી. આ ઝઘડા દરમિયાન યોગેશભાઈના ડ્રાઈવર વિપુલે વચ્ચે પડી બંનેને છૂટા પાડ્યા હતા, ત્યારે દડુભાઈએ અમારા ભાડામાં દખલગીરી કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે.
આ ઘટના બાદ દડુભાઈએ તુરંત 112 નંબર પર પોલીસને જાણ કરતા પ્રદ્યુમનનગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને પક્ષોને પોલીસ મથકે લઈ ગઈ હતી. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર બી. વી. ભગોરાએ બંને પક્ષોની ફરિયાદોના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 115(2), 324(2), 351(3) અને 54 હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
