રિંગરોડના સાઈકલ ટ્રેક પર લારી, શો-રૂમ-કોમ્પ્લેક્સના વાહનો-દબાણો જપ્ત

રાજકોટના ધબકતા ગણાતા 150 ફૂટ રિંગરોડ (BRTS રોડ) પર સાયકલ ટ્રેક પર થતા અનધિકૃત દબાણો અને પાર્કિંગની સમસ્યા લાંબા સમયથી અસાધ્ય રોગ સમાન બની ગઈ…

રાજકોટના ધબકતા ગણાતા 150 ફૂટ રિંગરોડ (BRTS રોડ) પર સાયકલ ટ્રેક પર થતા અનધિકૃત દબાણો અને પાર્કિંગની સમસ્યા લાંબા સમયથી અસાધ્ય રોગ સમાન બની ગઈ છે. સાયકલ ટ્રેક પર લારી-ગલ્લાંઓ, શો-રૂૂમ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવતા લોકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દેતા હોવાથી સાયકલ સવારો અને રાહદારીઓની સુરક્ષા જોખમાઈ રહી છે. ટ્રેક પરથી પસાર થતી વખતે ’ધૂમ સ્ટાઇલ’થી સ્પીડમાં નીકળતા વાહનચાલકો કોઈને અડફેટે લઈ ફગાવી દે તેવી કાયમી ભીતિ લોકોમાં સેવાઈ રહી છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે રાજકોટ મહાનગરપાલિકા (છખઈ) અને ટ્રાફિક પોલીસે વધુ એકવખત સંયુક્ત રીતે આક્રમક ડ્રાઇવનો પ્રારંભ કર્યો છે.

ગઈકાલે બંને તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ટોઇંગ વાન, જગ્યા રોકાણ શાખાના વાહનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 150 ફૂટ રિંગરોડ પર ઉતરી પડ્યો હતો. સાયકલ ટ્રેક પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા વાહનો, રસ્તા પર નડતરરૂૂપ જાહેરાતના બોર્ડ-બેનરો તેમજ આસપાસના શો-રૂૂમ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બહાર અનધિકૃત રીતે પાર્ક થયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરીને દબાણો હટાવી લેવામાં આવ્યા હતા.

કામગીરી દરમિયાન અયોધ્યા ચોક પાસે આર.કે.ટાવરની સામે એક માથાભારે શખ્સે સાયકલ ટ્રેક પર ખડકેલુ વાહન ડિટેઇક કરાતુ હતુ એ વખતે તેમણે પોલીસ સાથે માથાકૂટ કરી હતી.

જો કે વાહન ટોઇંગ કરી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી. ગઇકાલે બપોર બાદ રાત સુધી ચાલેલી આ ડ્રાઇવ દરમિયાન અનેક વાહનો અને અન્ય દબાણો મનપાની જગ્યા રોકાણ શાખા અને ટ્રાફિક પોલીસે જપ્ત કર્યા હતા.

વાહન મેળાના દબાણો સાથે મોન, જગ્યા રોકાણ શાખા ફરી શંકાના દાયરામાં
મવડી ચોકડીથી છેક ગોંડલ રોડ સુધી બન્ને બાજુ સંખ્યાબંધ વાહન મેળા છે. તેની કાર અને ટુ વ્હીલ સહિતના વાહનો મોટાભાગે સાયકલ અને વોકિંગ ટ્રેક પર જ ખડકલા રહે છે. ચર્ચા તો એવી પણ છે કે, જગ્યા રોકાણ શાખાની ભ્રષ્ટ ઓથ હેઠળ આ દબાણો આખા આડા કાન કરી લેવામા આવે અને જો કોઇ જાગૃત નાગરિક ફરિયાદ કરે એટલે દેખાડો કરવા પુરતુ એકાદ-બે દિવસ પગલાં લઇ ફરી ટેબલ નીચેના વહીવટથી સ્થિતિ જૈસે-થે-વૈસે થઇ જાય છે. હાલ આવી જ હાલત ફરી સર્જાઇ છે.