રૈયાધારે ટોળકીનો આંતક: યુવક પર હુમલો, કાર-ઘરમાં તોડફોડ

રાજકોટ શહેરમાં આવરનવાર મારામારીની ઘટના બનતી રહે છે.પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ વધુ એક ટોળકીના આંતકની ઘટના સામે આવી છે.રૈયાધારે રાણીમા રૂૂડીમા ચોક ખાતે…

રાજકોટ શહેરમાં આવરનવાર મારામારીની ઘટના બનતી રહે છે.પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ વધુ એક ટોળકીના આંતકની ઘટના સામે આવી છે.રૈયાધારે રાણીમા રૂૂડીમા ચોક ખાતે આવેલી ઠાકર-ધણી હોટલ બહાર વાહન પાર્કિંગ અને તોડફોડને લઇને ગંભીર બનાવ સામે આવ્યો છે. બાર માળીયા આર.એમ.સી. ક્વાર્ટરમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 28 વર્ષીય આનંદભાઈ ઉર્ફે બાબુભાઈ રણછોડભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના મિત્ર ચીરાગ વાગડીયાની કાળા રંગની વર્ના કાર લઈને હોટલે ચા-પાણી પીવા ગયા હતા. તે સમયે ભવદીપ ઉર્ફે હાંડા પરેશભાઈ ડાભી નામના શખ્સે તેમની કારના પાછળના ભાગે પથ્થર મારી કાચ તોડી નાખ્યા હતા. આ અંગે આનંદભાઈએ બહાર આવીને વિરોધ નોંધાવતાં અને કારણ પૂછતાં, ભવદીપે તેના મિત્ર બંટી પ્રતાપ સોલંકી સાથે મળીને ગાળો ભાંડવાનું શરૂૂ કર્યું હતું.

બનાવ સ્થળે ઝઘડો વધુ ન વધે તે સારૂૂ આનંદભાઈએ તુરંત જ 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસમાં ફોન કર્યો હોવાની જાણ થતાં જ ઉશ્કેરાયેલા ભવદીપ ઉર્ફે હાંડાએ પોતાની પાસે રહેલા લોખંડના પાઇપ વડે આનંદભાઈના વાંસા અને જમણા પડખાના ભાગે બે ઘા ઝીંકી દીધા હતા તથા ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. આ સમયે બંટી સોલંકીએ પથ્થરના છૂટ્ટા ઘા માર્યા હતા, જ્યારે તેના અન્ય બે મિત્રો અરમાન ઉર્ફે અનુ ચમન સોઢા અને આશિષ ઉર્ફે દેવલો રમેશ રાવળદેવ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

આ ચારેય શખ્સોએ ભેગા મળી આનંદભાઈને જાતિ પ્રત્યે અપશબ્દો બોલી હડધૂત કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.દરમિયાન, યુવકના મિત્રો રમેશ બોખાણી અને સાગર બોડીયાએ વચ્ચે પડીને તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. બનાવ બાદ યુવકને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન જાણવા મળ્યું કે ભવદીપે તેના ઘરે જઈને પણ દરવાજા પર ઇંટોના ઘા મારી નુકસાન પહોંચાડ્યું હતું.

આ બનાવ અંગે આનંદભાઈની ફરિયાદના આધારે ગાંધીગ્રામ-02 પોલીસ મથકમાં ભવદીપ ઉર્ફે હાંડા પરેશભાઈ ડાભી, બંટી પ્રતાપ સોલંકી, અરમાન ઉર્ફે અનુ ચમન સોઢા અને આશિષ ઉર્ફે દેવલો રમેશ રાવળદેવ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ચારેય આરોપીઓ સામે વાહનમાં નુકસાન પહોંચાડવા, ગેરકાયદેસર મંડળી રચવા, શારીરિક ઈજા પહોંચાડવા, મારી નાખવાની ધમકી આપવા તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)આર અને 3(2)(5એ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.