ભાવનગરમાં ક્રિકેટ રમવા મામલે જૂથ અથડામણ: યુવકની હત્યા, 8ને ઇજા

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં 10 શખ્સો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. જાણે પોલીસનો ડર જ ના હોય તેમ ઘાતક હથિયારો સાથે સર્જાયેલી ગંભીર મારામારીથી મહુવા…

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં 10 શખ્સો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. જાણે પોલીસનો ડર જ ના હોય તેમ ઘાતક હથિયારો સાથે સર્જાયેલી ગંભીર મારામારીથી મહુવા વાસીઓમાં ભારે ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. દસ શખ્સો વચ્ચે થયેલી ગંભીર મારામારીમાં યુવકની સરાજાહેર હત્યા કરી દેવાઈ છે તેમજ બંને પક્ષે આઠ લોકોને ઈજા થતા મહુવાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત થતી માહિતી મુજબ મહુવા શહેરમાં વડલી ના ગેટ પાસે નાસ્તાની લારી ધરાવતા શિવમ ઉર્ફે સન્નીને ક્રિકેટ મેચ રમવા બાબતે થોડાક સમય અગાઉ સંદીપ ઉર્ફે સરપંચ સાથે મારામારી સર્જાઈ હતી. જેની દાઝે આજે બપોરના સુમારે અશ્વિન બાંભા, નરેશ ભરવાડ, ભોળા ભરવાડ, સંદીપ ઉર્ફે સરપંચ ભરવાડ અને બે અજાણ્યા શખ્સો બે મોટર સાયકલમાં શિવમની લારીએ ધસી આવ્યા હતા. જે દરમિયાન શિવમ, તેના પિતા મુકેશ ઉર્ફે મુન્નો, તેનો ભાઈ કાર્તિક અને કાકા લાલજી વચાળે જૂથ અથડામણ સર્જાઈ હતી.

મહુવામાં રહેતા અને નાસ્તાની લારી ચલાવતા શિવમ ઉર્ફે સન્ની અને ભોળાભાઈ ભરવાડ, સંદીપ ઉર્ફે સરપંચ ભરવાડને વાઘનગર ખાતે ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થઈ હતી. જેની ચાલી આવતી અદાવતમાં થયેલ જૂથ અથડામણ હત્યામાં પરિણમી છે.

ગંભીર મારામારીમાં ભોળા ભરવાડને પડખાના ભાગે છરીના ઘા ઝીંકી દેવાતા તેનું સારવારમાં મોત થયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. બંને પક્ષે ઘાતક હથિયારો સાથે થયેલ મારામારીમાં આઠ શખ્સોને ગંભીર ઈજા થતા મહુવાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા મહુવા ટાઉન પોલીસ મથકનો સ્ટાફ મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી જઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેથી આ વિસ્તારમાં વધુ અરાજકતા અટકાવી શકાય.

શહેરમાં થયેલ સરાજાહેર જૂથ અથડામણથી મહુવાવાસીઓમાં ભારે ભય પ્રસરી ગયો છે અને મહુવા પંથકમાં છાશવારે થતા ગંભીર મારામારીના બનાવોને લઈને પોલીસ વિરુદ્ધ પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં બંને પક્ષે 10 શખ્સો વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી શરૂૂ કરી છે.