જામનગરમાં પડતર જમીન પર લહેરાશે હરિયાળી, 15.5 હેકટરમાં વનકવચ અભિયાન

વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી, સમગ્ર હાલાર પંથકમાં વનવિભાગના સહયોગથી મીયાવાન્કી પધ્ધતિથી વનીકરણ વન કવચ એ ગુજરાત સરકારની એક મહત્વાકાંક્ષી પર્યાવરણલક્ષી યોજના છે, જેનો મુખ્ય હેતુ…

વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી, સમગ્ર હાલાર પંથકમાં વનવિભાગના સહયોગથી મીયાવાન્કી પધ્ધતિથી વનીકરણ

વન કવચ એ ગુજરાત સરકારની એક મહત્વાકાંક્ષી પર્યાવરણલક્ષી યોજના છે, જેનો મુખ્ય હેતુ રાજ્યમાં હરિયાળું આવરણ વધારવાનો, જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાનો અને આબોહવા પરિવર્તનની અસરો સામે કુદરતી સુરક્ષા કવચ ઊભું કરવાનો છે.

આ યોજના હેઠળ મિયાવાકી સહિતની આધુનિક પદ્ધતિઓ દ્વારા ઓછી જગ્યામાં વધુ ગીચ અને ઝડપથી વિકસતા વૃક્ષોનું વાવેતર કરવમાં આવે છે. આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસની જામનગરમાં ઉજવણી કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના હેતુથી,જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મીયાવાન્કીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વન વિભાગ દ્વારા વનકવચ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. વનકવચએ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે,એકઝડપથી નાનું વન બનાવવાની પદ્ધતિ છે.એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ટ વાવેતર કરી નાનું વન ઉભું કરી શકાય.

જામનગર તાલુકામાં ગણપતિ મંદિર સપડા ખાતે 1 હેક્ટર વિસ્તારમાં રૂ.25 લાખના ખર્ચે, તેમજ હાપા માર્કેટ યાર્ડ ઝાડા ટી.પી. સ્કીમ નં.1ના પ્લોટ નં.98 ખાતે 1 હેક્ટર વિસ્તારમાં રૂ.25 લાખના ખર્ચે, પ્લોટ નં.93 ખાતે 0.5 હેક્ટર વિસ્તારમાં રૂ. 12.5 લાખના ખર્ચે અને પ્લોટ નં.82 ખાતે 0.5 હેક્ટર વિસ્તારમાં રૂ. 12.5 લાખના ખર્ચે વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે.

લાલપુર તાલુકામાં લાલપુર ખાતે 0.5 હેક્ટર વિસ્તારમાં રૂ. 12.5 લાખના ખર્ચે તથા જોગવડ ગામે 0.25 હેક્ટર વિસ્તારમાં રૂ. 6.3 લાખના ખર્ચે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે. જામજોધપુર તાલુકામાં સોનવાડિયા ખાતે 2 હેક્ટર વિસ્તારમાં રૂ. 50 લાખના ખર્ચે, દલદેવડીયા ખાતે 1.5 હેક્ટર વિસ્તારમાં રૂ.37.5 લાખના ખર્ચે, પાટણ ખાતે 1 હેક્ટર વિસ્તારમાં રૂ.25 લાખના ખર્ચે અને વસંતપુર ખાતે 1.5 હેક્ટર વિસ્તારમાં રૂ.37.5 લાખના ખર્ચે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કાલાવડ તાલુકામાં નિકાવા ગામે 2 હેક્ટર વિસ્તારમાં રૂ.50 લાખના ખર્ચે તેમજ પરેડ ગ્રાઉન્ડ, કાલાવડ ખાતે 1 હેક્ટર વિસ્તારમાં રૂ.25 લાખના ખર્ચે વન કવચ ઉભું કરવામાં આવ્યું છે. ધ્રોલ તાલુકામાં હમાપર ગામે 0.5 હેક્ટર વિસ્તારમાં રૂ.6.3 લાખના ખર્ચે અને સુધાધુના ગામે 2.25 હેક્ટર વિસ્તારમાં રૂ.56.3 લાખના ખર્ચે વન કવચ વિકસાવવામાં આવ્યા છે.

આમ, જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 15.5 હેક્ટર વિસ્તારમાં રૂ.381.25 લાખના ખર્ચે વન કવચોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે જિલ્લાની હરિયાળી વધારવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.