Site icon Gujarat Mirror

હનુમાન મઢી પાસે ગાયે ઢીંકે ચડાવતા દાદી-પૌત્રને ઈજા

ઢોરપકડ પાર્ટી આવતા ભડકેલી ગાયે અડફેટે ચડાવ્યા

શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી ચોક પાસે આવેલા છોટુનગરમાં ગાયે ઢીંકે ચડાવતાં ત્રણ વર્ષના પૌત્ર અને દાદીને ઈજા થતાં બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. દાદી પૌત્રને આંગણવાડીએથી તેડીને આવતા હતાં ત્યારે મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી આવતાં ગાય ભાગવા જતાં દાદી પૌત્ર ઠોકરે ચડી ગયા હતાં.
જાણવા મળતી વિગત મુજબ, હનુમાન મઢી પાસે છોટુનગર શેરી નં.1માં રહેતાં મંજુબેન રાજુભાઈ રાજોલીયા (ઉ.50) અને તેનો પૌત્ર શિવમ વિજયભાઈ રાજોલીયા (ઉ.3) આજે બપોરે એક વાગ્યાના અરસામાં ઘર પાસે હતાં ત્યારે ગાયે ઢીંક ચડાવતાં દાદી-પૌત્રને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી છે.

પ્રાથમિક તપાસમાં મંજુબેન શાકભાજી વેચવાનું કામ કરે છે તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેમનો પૌત્ર શિવમ ઘર નજીક આવેલી આંગણવાડીમાં ગયો હતો અને બપોરે મંજુબેન આંગણવાડીએથી પૌત્રને તેડીને ઘરે આવતા હતાં ત્યારે છોટુનગરમાં મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીની ગાડી આવતાં ત્યાં રહેલા ઢોર ભુરાયા થતાં ભાગવા લાગ્યા હતાં. જેમાં દાદી-પૌત્ર ગાયની ઢીંકે ચડી જતાં બન્નેને ઈજા પહોંચી હતી.

Exit mobile version