Site icon Gujarat Mirror

આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશ

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. 13મી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026’ ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશ અને રાજ્યના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.

મહોત્સવના વિવિધ દિવસોમાં કૃષિ, ગ્રામિણ વિકાસ, રોજગાર, યુવા શક્તિ, રમતગમત, ટેકનોલોજી અને સંસ્કૃતિ સંબંધિત કાર્યક્રમો, પરિસંવાદો, પ્રદર્શનો તથા લોકાર્પણો યોજાશે. ગ્રામિણ ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે આ મહોત્સવ એક પ્રેરક મંચ પૂરું પાડશે.

મહોત્સવના પ્રથમ દિવસે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામિણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, શ્રમ અને રોજગાર, રમતગમત તથા યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા, આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ખેલાડી અને ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના પ્રેસિડન્ટશ્રી પી. ટી. ઉષા, તેમજ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા સહિતની ઉપસ્થિતિમાં મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. મહોત્સવના અન્ય દિવસોમાં ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે સાથે ‘મેડ ઇન ઇન્ડિયા’ વિચારધારાના પ્રણેતા અને ઝોહો (ણજ્ઞવજ્ઞ)ના સ્થાપક શ્રીધર વેમ્બુ, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શ્રી કપિલ દેવ, તેમજ રામાયણ સીરીયલના રામના પાત્રથી લોકપ્રિય બનેલા અભિનેતા અને સાંસદ અરુણ ગોવિલ પણ મહોત્સવને ગૌરવ આપશે.

આયોજકો દ્વારા હણોલ તથા આસપાસના ગામોના નાગરિકો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને તમામ જનતાને આ ત્રણ દિવસીય ઐતિહાસિક મહોત્સવમાં મોટી સંખ્યામાં જોડાવા માટે ભાવપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે.

Exit mobile version