સુરેન્દ્રનગર પાસે માલગાડી ખડીપડી, રાજકોટ-અમદાવાદ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો

સુરેન્દ્રનગર નજીક દૂધરેજ પાસે મામાના મંદિર નજીક માલગાડી પાટા પરથી ખડી પડી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે લાઇન પરનો વાહનવ્યવહાર ખોરવાયો…

સુરેન્દ્રનગર નજીક દૂધરેજ પાસે મામાના મંદિર નજીક માલગાડી પાટા પરથી ખડી પડી હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે લાઇન પરનો વાહનવ્યવહાર ખોરવાયો છે. અનેક ટ્રેનો પ્રભાવિત થતાં મુસાફરોને હાલાકી ભોગવવી પડી. રેલવે વિભાગની ટીમ ટ્રેક રિપેરિંગ માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

સુરેન્દ્રનગર નજીક દૂધરેજ પાસે આવેલા મામાના મંદિર નજીક આજે એક મોટી રેલવે દુર્ઘટના સામે આવી છે, જ્યાં એક માલગાડી અચાનક પાટા પરથી નીચે ખડી પડી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદભાગ્યે આ દુર્ઘટનામાં માલગાડી હોવાથી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ રેલવે ટ્રેકને મોટું નુકસાન પહોંચ્યું છે.

માલગાડી પાટા પરથી ખડી પડવાના કારણે મુખ્ય રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે લાઈન પરનો સમગ્ર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અકસ્માતને કારણે આ રૂૂટ પરથી પસાર થતી અનેક પેસેન્જર તેમજ એક્સપ્રેસ ટ્રેનોની અવર-જવર પર માઠી અસર પડી છે. ખાસ કરીને વિરમગામ તરફથી આવતી લાંબા અંતરની ટ્રેનો તેમજ રાજકોટ તરફ જતી ટ્રેનો પ્રભાવિત થવાની પૂરી શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેને પગલે મુસાફરોને ભારે રઝળપાટ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં જ રેલવે શિડ્યુલ અને લાઈન ક્લિયર કરાવવા માટે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોની ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેલવે ટ્રેક પરથી ખડી પડેલા માલગાડીના ડબ્બાઓને હટાવીને ટ્રેક રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂૂ કરી દેવામાં આવી છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેક વહેલી તકે કાર્યરત થાય અને ટ્રેન વ્યવહાર પુન: પૂર્વવત બને તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.