પડોશીઓના સતત ત્રાસથી કંટાળી વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ: ચાર સામે ગુનો નોંધાયો

રાજકોટ શહેરના આનંદનગર કોલોનીમાં પડોશીઓના અવારનવારના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક 57 વર્ષીય આધેડ વેપારીએ મચ્છર મારવાનું ઓલઆઉટ લિક્વિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની…

રાજકોટ શહેરના આનંદનગર કોલોનીમાં પડોશીઓના અવારનવારના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક 57 વર્ષીય આધેડ વેપારીએ મચ્છર મારવાનું ઓલઆઉટ લિક્વિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે આનંદનગર કોલોનીમાં રહેતા અને સાઉન્ડ સિસ્ટમ રિપેરીંગનો ધંધો કરતા અરવિંદભાઈ બાબુભાઈ ગોરવાડીયા (ઉ.વ. 57) ગત 20 ઓક્ટોબર 2026ના રોજ સવારે આઠેક વાગ્યે તેમની પત્ની હીરાબેન સાથે લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે લોબીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની સામે જ રહેતા મધુબેન કારીયાનો ભાણેજ બીટુ ત્યાં ઉભો હતો. આ દરમિયાન હીરાબેનના હાથમાં રહેલી થેલી ભૂલથી બીટુને અડી ગઈ હતી. આ નજીવી બાબત જોઈ જતાં જ મધુબેન કારીયા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. એટલું જ નહીં, તેમની બંને દીકરીઓ પૂનમબેન અને ચકીબેન પણ ત્યાં આવી પહોંચી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી ઝઘડો કરવા લાગી હતી. આ અંગે અરવિંદભાઈએ પોલીસમાં અરજી પણ આપી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મધુબેન કારીયા અને તેમનો પરિવાર છેલ્લા દોઢ વર્ષથી કોઈને કોઈ બાબતે અવારનવાર ઝઘડા કરી અરવિંદભાઈના પરિવારને હેરાન-પરેશાન કરતો હતો, જેના કારણે તેઓ સતત ચિંતા અને ભારે માનસિક ટેન્શનમાં રહેતા હતા. આ સિવાય ગત 14 ઓક્ટોબરના રોજ મધુબેનના પતિ જીતુભાઈ કારીયાએ પણ અરવિંદભાઈની ભૂપેન્દ્ર રોડ પર આવેલી દુકાને જઈને ’ટાંટિયા ભાંગી નાખી ઉપાડી લેવો છે’ તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી.

પડોશીઓના આ સતત માનસિક ત્રાસથી કંટાળીને આખરે અરવિંદભાઈએ પોતાના ઘરે એકલા હતા ત્યારે મચ્છર મારવાનું ઓલઆઉટ લિક્વિડ પી લીધું હતું. પત્ની ઘરે આવતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી અને તેમને તાત્કાલિક 108 મારફતે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ ભક્તિનગર પોલીસે મધુબેન કારીયા, પૂનમબેન, ચકીબેન અને જીતુભાઈ કારીયા વિરૂૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 352, 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ મોન્ટુભાઈ મકવાણાને તપાસ સોંપી છે.