Site icon Gujarat Mirror

ઉપલેટા માર્કેટ યાર્ડની ચાર પેઢી સાથે ચણાની ખરીદીના બહાને રૂા.34.20 લાખની ઠગાઈ

ગોંડલના હીર એન્ટરપ્રાઇઝના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઉપલેટાના દલાલ સાથે રૂા. 34.20 લાખની છેતરપિંડી થઇ છે. ગોંડલ ખાતે ગોડાઉન ધરાવતા અને પોતાની ઓળખ દલાલ તરીકે આપનાર શખ્સે જુદા-જુદા વેપારીઓ પાસેથી કુલ 68 ટન ચણા મંગાવી, પેમેન્ટ ચુકવ્યા વગર ગોડાઉન બંધ કરી ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઉપલેટાના પોરબંદર રોડ પર રહેતા અને ‘વિપુલ બ્રોકર્સ’ નામે દલાલીનો ધંધો કરતા વિપુલભાઈ જૈન્તિલાલ રાયચુરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 20 ફેબ્રુઆરીના રોજ તેમને હસમુખભાઈ મુંગરા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. હસમુખે પોતાની ઓળખ હીર એન્ટરપ્રાઇઝ (ગોંડલ) ના માલિક તરીકે આપી હતી. વિશ્વાસ કેળવવા માટે તેણે વિસાવદરના એક વેપારી સાથે ફોન પર વાત કરાવી ખાતરી આપી હતી કે તે નિયમિત વેપારી છે. હસમુખભાઈની વાતોમાં આવી ગયેલા વિપુલભાઈએ તા. 23 અને 24 ફેબ્રુઆરી દરમિયાન અલગ-અલગ પેઢીઓ પાસેથી ચણાનો સોદો કરાવ્યો હતો જેમાં શ્રી રાંદલ એન્ટરપ્રાઇઝ (હડાળા): 28 ટન ચણા (રૂા. 14.50 લાખ),શ્રી રામ ટ્રેડીંગ (બગસરા): 13 ટન ચણા (રૂા. 6.90 લાખ),અંશ પ્રોટીન્સ (જુનાગઢ): 12 ટન ચણા (રૂા. 6.00 લાખ),અવીરા ટ્રેડીંગ (વિસાવદર): 15 ટન ચણા (રૂા. 6.80 લાખ),આમ, કુલ રૂા.34,20,000/- ની કિંમતના ચણા ગોંડલ ખાતે ડિલિવરી લેવામાં આવી હતી. હસમુખે છ દિવસમાં પેમેન્ટ કરી દેવાનો વાયદો કર્યો હતો.

છ દિવસ વીતી જવા છતાં પેમેન્ટ ન મળતા અને હસમુખનો ફોન બંધ આવતા, વિપુલભાઈ અન્ય વેપારીઓ સાથે ગોંડલ તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો હીર એન્ટરપ્રાઇઝનું ગોડાઉન બંધ હતું અને હસમુખભાઈનો ક્યાંય પત્તો નહોતો. પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જણાતા વિપુલભાઈએ હસમુખભાઈ લાલજીભાઈ મુંગરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

Exit mobile version