દેવપરામાં જ્વેલર્સની દુકાનમાં સોની યુવક તેજસભાઈ સોનીએ એસિડ પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમનું રાત્રે મોત નીપજ્યું છે.પરિવારે જણાવ્યું હતું કે,સોનાનો હિસાબ વ્યાજમાં ખપાવી ધમકી આપતા તેજસભાઈએ આપઘાત પ્રયાસ કર્યો હતો. હાર્દિક અને વિનોદ નામના બે વ્યક્તિ સામે આક્ષેપ થયા છે.
મળતી માહિતી અનુસાર, તેજસભાઈ શિરીષભાઈ સોની (ઉંમર વર્ષ 39, રહે.કેવડાવાડી શેરી નંબર 15, રાજકોટ) ગઈ તા.19ના રોજ દેવપરામાં વિવેકાનંદનગરમાં આવેલ પોતાની બી.એમ. જ્વેલર્સ નામની દુકાનમાં હતા ત્યારે એસિડ પી ગયા હતા. દુકાનમાં કામ કરતા અન્ય બંગાળી કારીગર રાજુભાઈને જાણ થતા પરિવારને જાણ કરી હતી અને તેજસભાઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.જ્યાં તેજસનું સારવાર દરમિયાન રાત્રે મોત નીપજ્યું હતું.પરિવારજનોના જણાવ્યા મુજબ તેજસભાઈ બે ભાઈમાં મોટા છે. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.
તેજસભાઈના માતા ગીતાબેને જણાવ્યું કે, તેમને સંતાનમાં બે પુત્રો છે. જેમાં તેજસભાઈ મોટા છે. દેવપરા પાસે વિવેકાનંદનગરમાં બી.એમ. જ્વેલર્સ નામે સોના-ચાંદીના ઘરેણાં બનાવી વેચવાની દુકાન ધરાવે છે. જુદા જુદા વેપારીઓ સોનાના ઘરેણા બનાવવા આપે છે. દરમ્યાન વેપારી નામે હાર્દિકભાઈ અને વિનોદભાઈએ સોનાનો માલ ઘરેણાં બનાવવા આપેલો હતો. લાંબા સમયથી વેપારીક વ્યવહાર હતા. હિસાબ દરમ્યાનમાં અમુક માલ આપવાનો બાકી હશે. જે થોડું થોડું કરી પરત આપવાની વ્યાપારિક સહમતી હતી. તેમ છતાં છેલ્લા સાતેક મહિનાથી આ બંને હાર્દિક અને વિનોદ પોતાનો હિસાબ બાકી છે તેમ કહીં તેજસભાઈને ધાક ધમકી આપતાં હતા.
ગીતાબેને જણાવ્યું કે, એક વખતે હાર્દિકના પિતા ભરતભાઈ અને તેમની સાથે કોઈ કાંતિભાઈ નામના વ્યક્તિ દુકાને આવેલ અને ધમકીઓ આપી હતી. પછી હાર્દિક દુકાને આવેલ અને મારાં દીકરા તેજસને માર મારેલ ત્યારે અને 112 ગાડી બોલાવી હતી. પોલીસમાં ફરિયાદ અરજી આપી હતી. આ ઉપરાંત અન્ય લોકો છે જેઓ પણ ધમકી આપે છે.જેની પણ તપાસ થવી જોઈએ.
