કામ બાબતે સૂચના આપવી કે દબાણ કરવું એ આત્મહત્યાનું દૂષ્પેરણ ન ગણી શકાય

ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે તબીબી અભ્યાસ અથવા રેસિડેન્સી પ્રોગ્રામ દરમિયાન અપાતી રુટિન સૂચનાઓ, શૈક્ષણિક ટકોર કે વોર્ડ ડ્યુટીની ફાળવણીને ગુનાહિત માનસિકતા કે આત્મહત્યા માટેનું…

ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે તબીબી અભ્યાસ અથવા રેસિડેન્સી પ્રોગ્રામ દરમિયાન અપાતી રુટિન સૂચનાઓ, શૈક્ષણિક ટકોર કે વોર્ડ ડ્યુટીની ફાળવણીને ગુનાહિત માનસિકતા કે આત્મહત્યા માટેનું ઉશ્કેરણી ગણી શકાય નહીં.

હાઈકોર્ટે સુરતની સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરની આત્મહત્યા કેસમાં બે સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે નોંધાયેલી એફઆઈઆર અને ચાર્જશીટ સંપૂર્ણપણે રદ કરી દીધી છે. સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે માસ્ટર ઓફ સર્જરીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ચોવીસ વર્ષીય જુનિયર ડોક્ટરે અભ્યાસ શરૂૂ થયાના માંડ છ અઠવાડિયા અથવા તે ઉસિ દિવસની અંદર આત્મહત્યા કરી લીધી હતી. આ દુર્ઘટના બાદ મૃતકના પરિવારે સિનિયરો પર સતત હેરાનગતિ, જાતિવાદી આક્ષેપો અને શારીરિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ મૂક્યો હતો, જેના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 306 એટલે કે આત્મહત્યાનું દુષ્પ્રેરણ, કલમ 323 તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ પી. એમ. રાવલે મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે શું કોઈ પણ વહીવટી સખતાઈ, વ્યાવસાયિક ટકોર કે કામના ભારે દબાણને માત્ર એટલા માટે આત્મહત્યાનું દુષ્પ્રેરણ ગણી શકાય કે વ્યક્તિ માનસિક દબાણ સહન ન કરી શકી. અદાલતે સ્પષ્ટ કર્યું કે ટૂંકા ગાળામાં કોઈ ચોક્કસ ગુનાહિત ઈરાદા વગર અથવા આત્મહત્યા માટે સીધી પ્રેરણા આપતા નક્કર પુરાવા વિના સિનિયર ડોક્ટરોને દોષી ઠેરવવા કાયદાકીય કસોટી પર ખરા ઉતરતા નથી. કાયદાકીય જોગવાઈઓના વિશ્ર્લેષણ વિના માત્ર પરિવારના દુ:ખ અને આક્રોશના આધારે યાંત્રિક રીતે નોંધવામાં આવેલી આવી એફઆઈઆર અને કાર્યવાહી ચાલુ રાખવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે, જેને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ કેસ રદ કર્યો છે.