દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ, અસ્વચ્છતા અને વાસી ચીજવસ્તુઓના વેચાણ સામે લાલ આંખ કરીને ફૂડ વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું હતું. આ વિશેષ ડ્રાઈવ દરમિયાન કુલ 46 જેટલી પેઢીઓ અને ધંધાકીય એકમોની સઘન તપાસ કરવામાં આવી હતી, જેના કારણે ભેળસેળિયાઓ અને ધંધાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
તપાસ દરમિયાન બજારમાં વેચાણ માટે રાખવામાં આવેલો કુલ બાવીસ કિલોગ્રામ જેટલો અખાદ્ય, વાસી, પડતર અને એક્સપાયર્ડ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેનો વહીવટી ટીમે સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત લાઈસન્સ પ્રદર્શિત ન કરવા બાબતે, સ્ટોરેજની અયોગ્ય પદ્ધતિઓ અને હાઈજેનિક કન્ડિશન એટલે કે સ્વચ્છતાના નિયમોનો ભંગ કરવા બદલ કુલ પાંચ પેઢીઓને કસૂરવાર ઠેરવીને નોટિસ ફટકારવામાં આવી હતી. મનપાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ એકમો પાસેથી કુલ સાડા ત્રણ હજાર રૂૂપિયાનો વહીવટી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
આ સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન કાલાવડ રોડ પર આવેલા હરિયોગી લાઈવ પફમાંથી લાઈસન્સ ન દર્શાવવા બદલ નોટિસ આપવામાં આવી હતી અને બાર લિટર લેબલ વગરના પડતર ઠંડા પીણાંનો નાશ કરીને એક હજાર રૂૂપિયા વહીવટી ચાર્જ વસૂલાયો હતો. પરાબજાર ખાતે આવેલી માં વૈષ્ણવી કેળાં વેફરની દુકાને અસ્વચ્છતા અને હાઈજેનિક કન્ડિશનના અભાવે નોટિસ અપાઈ હતી તેમજ દસ કિલોગ્રામ દાજિયું તેલ જપ્ત કરી નાશ કરાયો હતો અને પાંચસો રૂૂપિયાનો દંડ લેવાયો હતો.
આ ઉપરાંત લાખના બંગલા મેઈન રોડ પર આવેલી જય દ્વારકાધીશ ચાઈનીઝ પંજાબી અને ગાંધીગ્રામના અક્ષર નગર મુખ્ય રોડ પર આવેલી શ્રી બાલાજી ફરસાણ માર્ટ જેવી પેઢીઓમાં પણ ખાદ્યતેલ-ઘીના બોર્ડ ન લગાવવા અને નિયમોની અનદેખી કરવા બદલ નોટિસ આપીને દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી અને ગુંદીના લાડુ તથા ચવાણાના સેમ્પલ લેવાયા હતા. શહેરના નાણાવટી મેઈન રોડ, રામેશ્વર ચોક, પરાબજાર, નવા નાકા રોડ, ઇન્દિરા સર્કલ અને લાખના બંગલા વિસ્તારમાં આવેલી અસંખ્ય દુકાનો અને ફાસ્ટ ફૂડ સેન્ટરોની વ્યાપક તપાસ કરવામાં આવી હતી.
